લૉકડાઉન દરમ્યાન અત્ર તત્ર સર્વત્ર અતિક્રમણ થયું ને પરિણામે મુંબઈના મોંઘાદાટ વિસ્તારમાં માફિયાઓ પચીસ લાખમાં જગ્યાઓ વેચવા માંડ્યા છે
ઝૂંપડાંઓનું અતિક્રમણ કફ પરેડ વિસ્તારમાં બધવાર પાર્કથી છેક તાજ પ્રેસિડન્સી હોટેલથી સુધી ફેલાયેલું છે અને હજી વધી રહ્યું છે. ( તસવીર : શાદાબ ખાન)
છેલ્લા કેટલાક દાયકાઓથી સ્લમ માફિયાઓ દ્વારા નરીમાન પૉઇન્ટ અને કફ પરેડ વચ્ચેના લગભગ ૧૦૦ એકર જેટલા વિસ્તારમાં ગેરકાયદે રીતે ઝૂંપડાંઓ બાંધવામાં આવ્યાં છે. લૉકડાઉન દરમ્યાન આ પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો હતો. સ્લમ માફિયાઓએ બહુમાળી ઝૂંપડપટ્ટી બનાવીને તેમનો વ્યવસાય વિસ્તાર્યો હતો. અહીં એ યાદ કરવું ઘટે કે આ એ જ વિસ્તાર છે જ્યાંથી પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબ અને તેના સાથીઓ ૨૬/૧૧ના હુમલા માટે મુંબઈમાં પ્રવેશ્યા હતા. કફ પરેડ રેસિડન્ટ્સ અસોસિએશને જણાવ્યું હતું કે તેમણે આ બાબતે સરકારને અનેક વાર ફરિયાદ કરી છે, પરંતુ એ બહેરા કાને અથડાઈ છે.
કફ પરેડ રેસિડન્ટ્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મોહિત ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘બધવાર પાર્કની સામે કફ પરેડ પાસે દરિયામાં લગભગ રોજ ખોદકામ કરવામાં આવે છે જે મોટા ભાગે ગેરકાયદે ઝૂંપડાં બાંધવા માટે જ હોય છે. સ્થાનિક માછીમારોની આડમાં બગીચાના વિસ્તાર પર અતિક્રમણ કરનારા આ માફિયાઓ રાતના સમયે વધુ સક્રિય હોય છે. કલેક્ટરની જમીન પર ૧૬,૦૦૦ વૃક્ષો વાવીને અમે સુંદર બગીચો બનાવ્યો છે, જેના પર પણ આ સ્લમ માફિયાઓની નજર છે. સમુદ્રમાં થાંભલા બાંધવા માટે તેઓ સી-લિન્ક બનાવવામાં વપરાય છે એવી ખાસ પ્રકારની સિમેન્ટનો ઉપયોગ કરે છે. સમુદ્રમાં ઍર-કન્ડિશનિંગ તેમ જ એના જેવી બીજી સુવિધાઓ ધરાવતા ફ્લૅટ મુંબઈ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.’
ADVERTISEMENT
સીપીઆરએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને બૅ વ્યુ મરિના ગાર્ડનના ઇન-ચાર્જ પારુલ નાંદેકરે જણાવ્યું હતું કે, લોકલ વહીવટવર્તાઓને લાંચ આપીને ૫૦૦ ચોરસ ફુટની રૂમ વિસ્તારમાં પાંચ લાખ રૂપિયામાં બની જાય છે અને આ જ જગ્યા માફિયાઓ પચીસ લાખ રૂપિયામાં વેચે છે.
કફ પરેડ મુંબઈના મોંઘામાં મોંઘા વિસ્તારમાંનો એક છે અને અહીં એક ચોરસ ફુટનો ભાવ ૬૦ હજાર રૂપિયાથી ૧.૨૦ લાખ રૂપિયા જેટલો છે.

