મુંબઈમાં રોડ-કૉન્ક્રીટીકરણની ડેડલાઇન ૩૧ મે, પણ હજી માત્ર ૫૪ ટકા કામ જ પૂર્ણ
રૉડની હાલત
ચોમાસા પહેલાં મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત બનાવવાના BMCના પ્રોજેક્ટ પર જોખમ તોળાઈ રહ્યું છે. ૩૧ મેની સમયમર્યાદા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રોડ કૉન્ક્રીટીકરણનું માત્ર ૫૪ ટકા કામ જ પૂર્ણ થઈ શક્યું છે. એમાં પણ પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) કનેક્શનના રોલ-આઉટ માટે અરજી કરનારાઓને ૨૪ કલાકમાં જોડાણ આપવાનો નિર્ણય લેવામાં આવતાં હવે મહાનગર ગૅસ લિમિટેડની પાઇપલાઇન નાખવા માટે નવા કૉન્ક્રીટ કરેલા રસ્તાઓ ફરીથી ખોદવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
BMC દ્વારા શહેરના ૨૦૫૦ કિલોમીટરના રોડ-નેટવર્કને તબક્કાવાર રીતે સિમેન્ટ-કૉન્ક્રીટમાં ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુંબઈમાં વિવિધ સ્થળે ચાલી રહેલા મેટ્રો કન્સ્ટ્રક્શન, અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી વર્ક, ગૅસ અને પાણીની પાઇપલાઇનના શિફ્ટિંગ વગેરેને કારણે રસ્તાના કૉન્ક્રીટીકરણનું કામ અટવાય છે. BMCના ડેટા મુજબ અત્યાર સુધીમાં માત્ર ૫૪ ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે ૨૬ ટકા કામ આંશિક રીતે પૂર્ણ થયું છે અને ૨૦ ટકા કામ હજી શરૂ થયું નથી. એથી મુંબઈગરાઓને આ વર્ષે પણ ચોમાસામાં રોડનાં અધૂરા કામોને કારણે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવો પડે એવી શક્યતા દેખાઈ રહી છે.
