વસઈમાં રિનોવેટ કરાવેલું ઘર ધૂપનો તણખો ઊડતાં બળીને ખાખ થઈ ગયું
પ્રતીકાત્મક તસવીર
વસઈની એવરશાઇન સિટીમાં રહેતા મુસ્લિમ પરિવારે તાજેતરમાં જ તેમના ડુપ્લેક્સ ફ્લૅટનું રિનોવેશન કરાવ્યું હતું. ગુરુવારે સાંજે રોજની જેમ ઘરમાં ધૂપ કરાયો હતો ત્યારે એનો તણખો ઊડીને લાગેલી આગને કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. સિનિયર સિટિઝન સભ્યો અને પાળેલી બીલાડીઓ સહિત પરિવારના બધા જ સભ્યો બહાર નીકળી જતાં બચી ગયા હતા. જોકે પાળેલા પોપટનું ધુમાડાને કારણે ગૂંગળાઈ જવાથી મોત થયું હતું.
વસઈની એવરશાઇન સિટીની સ્ટાર રેસિડન્સીમાં સાતમા માળે રહેતા હુસેન ઘાણીવાલાના ડુપ્લેક્સ ફ્લૅટમાં રોજ સાંજે ધાર્મિક રીતરિવાજ અનુસાર ધૂપ થાય છે. ગુરુવારે સાંજે એ ધૂપનો તણખો ઊડતાં આગ લાગી હતી જે ધીમે-ધીમે મોટી થઈ ગઈ હતી. ઘરમાં આગ લાગ્યાની જાણ થતાં પરિવારના સભ્યો તરત જ બહાર દોડી ગયા હતા. આ બાબતે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. એક ફાયર-એન્જિન અને એક જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

