બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ગઈ કાલે રાત્રે ૮૬ વર્ષની ઉંમરે અવસાન
રતન તાતા (28-12-1937 - 09-10-2024)
સોમવારે દક્ષિણ મુંબઈમાં આવેલી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા તાતા સન્સના મોભી રતન તાતાનું ગઈ કાલે રાતે વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. બુધવારે સાંજે ડૉક્ટરોએ ક્રિટિકલ હેલ્થ પૅરામીટર્સને મૅનેજ કરીને તેમને સ્થિર કર્યા હતા જેમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું અસંતુલન પણ હતું જે સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે, પણ ત્યાર બાદ મોડી રાતે તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા.
૧૯૩૭ની ૨૮ ડિસેમ્બરે જન્મેલા રતન તાતા ૧૯૬૨માં તાતા સમૂહમાં જોડાયા હતા. ૧૯૯૧થી ૨૦૧૨ સુધી તેઓ તાતા ગ્રુપના ચૅરમૅન હતા. ૨૦૦૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૮માં તેમને પદ્મવિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
શ્રી રતન તાતાજી એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસને સ્ટેબલ લીડરશિપ પૂરી પાડી હતી. નમ્રતા, અનુકંપા અને સમાજને બહેતર બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે તેમણે લાખો લોકોનાં દિલમાં જગ્યા બનાવી હતી - નરેન્દ્ર મોદી
દેશની જનતા તેમને ખરા ભારત રત્ન માનતી હતી, કેન્દ્ર સરકાર સમક્ષ તેમને ભારતના સર્વોચ્ચ સન્માનથી નવાજવાની અનેક વાર માગણી પણ ઊઠી હતી