મહારાષ્ટ્રના યવતમાળમાં રક્તચંદનના ઝાડ માટે રેલવે ચૂકવશે ૪.૯૭ કરોડ રૂપિયા
કેશવ શિંદે
મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના પુસદ તાલુકામાં આવેલા ખુર્શી ગામના ખેડૂત કેશવ શિંદે પાસે સાત એકર જમીન છે, જેમાં તેના વડવાઓએ ૧૦૦ વર્ષ પહેલાં ઉગાડેલું રક્તચંદનનું એક વિશાળ વૃક્ષ છે. આ વૃક્ષે ખેડૂત કેશવ શિંદેને રાતોરાત કરોડપતિ બનાવી દીધો છે. પુસદ તાલુકામાંથી રેલવેની નવી લાઇન બનાવવા માટે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કેશવ શિંદેની જમીન રેલવેલાઇનમાં આવી જતી હતી. જમીન અને રક્તચંદનના વૃક્ષની કિંમત તપાસવામાં આવતાં વૃક્ષ કીમતી હોવાનું જણાયું હતું. વૃક્ષની અંદાજિત કિંમત ૪.૯૭ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જોકે રેલવેએ જમીન સંપાદિત કરતી વખતે આટલી કિંમત ચૂકવવાની ના પાડી દીધી હતી એટલે ખેડૂત કેશવ શિંદેએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે રેલવેને ખેડૂતને જમીનની સાથે વૃક્ષની પૂરેપૂરી કિંમત ચૂકવવાનો આદેશ આપ્યો છે. રેલવેએ જમીન અને વૃક્ષ સંપાદિત કરી લીધાં છે એટલે અત્યારે ખેડૂત કેશવ શિંદેના અકાઉન્ટમાં પચાસ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. બાકીની રકમ ટૂંક સમયમાં ડિપોઝિટ કરવાની ખાતરી રેલવેએ કોર્ટને આપી હોવાનું જાણવા મળ્યું હતું.

