વડા પ્રધાને જેસલમેરમાં જવાનો સાથે ઊજવી દિવાળી
જેસલમેરની લોંગેવાલ પોસ્ટ પર ટેન્ક પર સવાર થયેલા મોદી. તસવીર : પી.ટી.આઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચીનનું નામ લીધા વગર તેના અન્ય દેશોમાં અતિક્રમણના પ્રયાસ પર પ્રહાર કર્યા હતા. વડા પ્રધાને જણાવ્યું હતું કે વિસ્તારવાદી પરિબળોથી આખું જગત પરેશાન છે. વિસ્તારવાદ અને અતિક્રમણની પ્રવૃત્તિ ૧૮મી સદીની વિકૃત માનસિકતા દર્શાવે છે. જો એ વિસ્તારવાદી પરિબળો ભારતની ઉશ્કેરણી કરશે તો તેમને ‘પ્રચંડ જવાબ’ આપવામાં આવશે.
ADVERTISEMENT
આર્મીના જવાનોને મીઠાઈ આપતા મોદી. તસવીર : પી.ટી.આઈ.
દર વર્ષે સરહદ પર સૈનિકો જોડે દિવાળી ઊજવવાની પરંપરા જાળવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાજસ્થાન સીમાની લોંગેવાલા પોસ્ટ ખાતે સૈનિકોને સંબોધન કરતાં ચીન અને પાકિસ્તાન તરફ લાલ આંખ કરી હતી. લદ્દાખ સરહદે સામસામે ટકરાવની યથાવત્ સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન માટે આકરા વિધાનો કર્યા હતા. વડા પ્રધાને સવારે ટ્વીટ દ્વારા દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી તેમ જ દેશના જવાનોના નામ પર એક દીવો પ્રગટાવવાની અપીલ પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘ભારત અન્યોને સમજવા અને સમજાવવાની નીતિમાં માને છે. જો અમારી કસોટી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વિશ્વનું કોઈ પણ પરિબળ આપણા સૈનિકોને સીમાનું રક્ષણ કરતાં રોકી શકે એમ નથી. આપણી સીમાઓ અને સાર્વભૌમત્વને પડકારનારને જડબાતોડ જવાબ આપવા માટે બળ અને રાજકીય ઇચ્છાશક્તિ ભારત સિદ્ધ કરી ચૂક્યું છે. ભારત પોતાના હિતો બાબતે સહેજ પણ તડજોડ નથી કરતું એ આખું જગત હવે જાણી ચૂક્યું છે.’

