બજેટસત્રના પહેલા દિવસે સરકાર-વિપક્ષ વચ્ચે નોકઝોંક
પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવનો વિરોધ કરવા મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ નાના પટોલેની આગેવાનીમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યો ગઈ કાલે સાઇકલ પર વિધાનસભામાં ગયા હતા.
મહારાષ્ટ્રના બજેટસત્રની શરૂઆતના ગઈ કાલે પહેલા દિવસે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બીજેપીએ આક્રમકતાથી સરકાર પર હુમલો કર્યો હતો, જેનો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જવાબ આપ્યો હતો. બાદમાં બીજેપીએ સત્રનો ત્યાગ કર્યો હતો. અધિવેશનની શરૂઆત થયા પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદે કૉન્ગ્રેસના વિધાનસભ્યો સાઇકલ લઈને વિધાનભવન પહોંચ્યા હતા.
બજેટસત્રની શરૂઆતમાં જ રાજ્યપાલે નિયુક્ત કરેલા વિધાન પરિષદના સભ્યો બાબતે આકરી ટીકા અજિત પવારે કરી હતી. આથી સુધીર મુનગંટીવાર, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે વિધાનભવનમાં જોરદાર શાબ્દિક આરોપ-પ્રત્યારોપ થયા હતા.
ADVERTISEMENT
આ સિવાય પહેલા દિવસે પૂજા ચવાણ મૃત્યુકેસમાં વનપ્રધાન સંજય રાઠોડનું રાજીનામું લેવામાં ઘણો વિલંબ કરાયો હોવા બાબતે વિપક્ષે સરકારને નિશાના પર લીધી હતી. બીજા પણ કેટલાક સવાલ બાબતે સરકાર દ્વારા ખુલાસો ન કરાતાં અધિવેશનની શરૂઆતના ત્રણ કલાકમાં બીજેપીએ સભાત્યાગ કર્યો હતો.
દરમ્યાન, બજેટસત્રની શરૂઆત પહેલાં તમામ વિધાનસભ્યો અને સત્રમાં સામેલ થનારાઓની કોવિડ-ટેસ્ટ ફરજિયાત હોવાથી એ કરવામાં આવી હતી. એમાં વિધાનભવનના કર્મચારીઓ અને પોલીસ સહિત ૩૨ કર્મચારીની ટેસ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્રણ હજાર લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી. બાકીના લોકોનો રિપોર્ટ એકાદ દિવસમાં આવશે.

