ગયા વર્ષે રાજ્યમાં ૩૩,૦૬૯ માર્ગ-અકસ્માત થયા હતા, જ્યારે ૨૦૧૯માં ૩૨,૯૨૫ અકસ્માત થયા હતા
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં ગયા વર્ષે માર્ગ-અકસ્માતમાં કુલ ૧૪,૮૮૩ લોકો માર્યા ગયા હતા, જે ૨૦૧૯ના કોવિડ-19 પહેલાંના વર્ષમાં નોંધાયેલા ૧૨,૭૮૮ મૃત્યુની સરખામણીમાં ૨૦૯૫નો વધારો દર્શાવે છે, જ્યારે ત્રણ વર્ષ પહેલાંની સરખામણીએ ૨૦૨૨માં આવી ઘટનાઓની સંખ્યામાં ૧૪૪નો વધારો થયો છે. સત્તાવાર આંકડા મુજબ ગયા વર્ષે રાજ્યમાં ૩૩,૦૬૯ માર્ગ-અકસ્માત થયા હતા, જ્યારે ૨૦૧૯માં ૩૨,૯૨૫ અકસ્માત થયા હતા, જ્યારે ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૨માં અકસ્માતોની સંખ્યામાં ૦.૪૪ ટકાનો વધારો થયો હતો. ત્યારે મૃત્યુઆંક ૧૬.૩૮ ટકા વધ્યો હતો. જોકે આ સમયગાળા દરમ્યાન જખમીઓની સંખ્યા ૨૮,૬૨૮થી ઘટી ૨૭,૨૧૮ થઈ હતી; જ્યારે મુંબઈ શહેરમાં અકસ્માતોની સંખ્યા ૪૪૧, નાશિક શહેરમાં ૧૦ અને ધુલે જિલ્લામાં ૧૦ એમ ત્રણ જિલ્લા અને શહેરોમાં માર્ગ-અકસ્માતની સંખ્યા ઘટી છે. મુંબઈ શહેરમાં ૧૧૫, નંદુરબાર જિલ્લામાં ૩૫, નવી મુંબઈમાં ૧૬ મૃત્યુઆંક સાથે ઘટાડો નોંધાયો છે.
જોકે તમામ જિલ્લાઓ અને શહેરોમાંથી માત્ર સાત જ જગ્યાએ ઈજાગ્રસ્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. એમાં ઈજાગ્રસ્તોની સંખ્યા ૩૨૪ સાથે મુંબઈ શહેર ટોચ પર છે. જોકે આ આંકડો પહેલાં કરતાં ઘટ્યો છે. રાજ્યના રાયગડ જિલ્લામાં મુંબઈ-પુણે હાઇવે પર પરંપરાગત સંગીત મંડળનાં યુવાન સ્ત્રી-પુરુષ સભ્યોને લઈ જતી બસ શનિવારે ખીણમાં પડી જતાં પાંચ સગીર સહિત ૧૩ લોકોનાં મોત થયાં હતાં અને ૨૯ લોકો ઘાયલ થયા હતા ત્યારે માર્ગ-અકસ્માતનો મુદ્દો વધુ મહત્ત્વનો બની ગયો હતો.
ADVERTISEMENT
માહિતી મુજબ મહારાષ્ટ્રના ૩૪ જિલ્લાઓ, ૧૧ મોટાં શહેરો વચ્ચે, મોટા ભાગનાં જિલ્લાઓ અને શહેરોમાં માર્ગ-અકસ્માતો, જાનહાનિ અને ઈજાઓની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૨૨માં માર્ગ-અકસ્માતોની સંખ્યામાં સૌથી વધુ વધારો યવતમાલમાં ૪૫૪, ત્યાર બાદ અહમદનગરમાં ૨૫૬, પિંપરી-ચિંચવડમાં ૨૪૮, પુણે ગ્રામીણ ૨૧૩ અને પાલઘર જિલ્લામાં ૧૩૨ હતો.