ફ્લૅમિંગો હવે મલાડમાં પણ જોવા મળશે
મલાડ-પશ્ચિમમાં માઇન્ડ સ્પેસની પાછળ આવેલી ખાડીમાં અસંખ્ય ફલૅમિંગો જોવા મળતાં પ્રકૃતિના ચાહકો અને પર્યાવરણવિદો આ વિસ્તારને પક્ષીઓ જોવા માટેના વિસ્તાર તરીકે વિકસાવવા ડિમાન્ડ કરી રહ્યા છે. છેલ્લાં લગભગ ત્રણેક વર્ષથી આ વિસ્તારમાં પક્ષીઓનાં ઝુંડ જોવા મળી રહ્યાં છે. બાયોડાઇવર્સિટી, વાઇલ્ડલાઇફ કન્ઝર્વેટર અને મૅનેજમેન્ટમાં માસ્ટર્સ કરનાર વિકાસ મહાજનના મતે આ વિસ્તારમાં ૨૦૧૪થી ૨૦૧૮ દરમ્યાન પણ ફલૅમિંગો જોવા મળતાં હતાં. રહેવાસી અને યાયાવર પક્ષીઓનું પ્રિય એવું આ સ્થળ પ્લાસ્ટિક, કાચ, લાકડાં, કપડાં, થર્મોકૉલ અને અન્ય અનેક ચીજોને કારણે ગંદકીથી ઊભરાય છે, જેની સફાઈ પર વન વિભાગે લક્ષ આપવું જોઈએ. પ્રકૃતિના ચાહક શરીક રઝાના મતે વન વિભાગ અને મૅન્ગ્રોવ્ઝ સેલે મળીને ખાડીના આ વિસ્તારને બર્ડ વૉચિંગ પૉઇન્ટ તરીકે વિકસાવવું જોઈએ. અત્યાર સુધી મુંબઈગરાઓ ફ્લૅમિંગો જોવા શિવડી જતા હતા, પણ હવે તેઓ મલાડમાં પણ આ પક્ષીને જોઈ શકશે.

