કોંકણની કુડાળ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવશે
નીલેશ રાણે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રત્નાગિરિ-સિંધુદુર્ગ મતદારક્ષેત્રના સંસદસભ્ય નારાયણ રાણેના પુત્ર અને ભૂતપૂર્વ સંસદસભ્ય નીલેશ રાણેએ ગઈ કાલે BJPને રામ-રામ કરી દીધા હતા અને આજે તેઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. મહાયુતિની સમજૂતી મુજબ કોંકણની કુડાળ વિધાનસભા બેઠક શિવસેનાને ફાળવવામાં આવી છે અને નીલેશ રાણેને અહીંથી ઉમેદવારી આપવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. નીલેશ રાણેએ રાજકીય કારકિર્દીની શરૂઆત બાળાસાહેબ ઠાકરેની શિવસેનામાંથી કરી હતી. બાદમાં તેઓ કૉન્ગ્રેસમાં ગયા હતા. એ પછી BJPમાં જોડાયા હતા અને હવે તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. નારાયણ રાણે અને નીતેશ રાણે BJPમાં છે અને હવે નીલેશ રાણે શિવસેનામાં જશે એટલે એક જ ઘરના નેતાઓ BJP અને શિવસેનામાં હોય એવું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કુડાળ વિધાનસભામાં અત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના વૈભવ નાઈક બે ટર્મથી વિધાનસભ્ય છે. શિવસેનામાંથી નીલેશ રાણેને ઉમેદવારી આપવામાં આવશે તો કુડાળમાં શિવસેના સામે શિવસેનાનો મુકાબલો થશે.