બે મર્સિડીઝની સામે એક પદવાળા વિધાનને લીધે રાજ્યમાં શરૂ થયા જબરદસ્ત આરોપ-પ્રત્યારોપ, નીલમ ગોર્હેએ કરેલા આક્ષેપના અનુસંધાનમાં ઉદ્ધવસેનાનાં નેતા સુષ્મા અંધારેએ બદનક્ષીનો દાવો કરવાની જાહેરાત કરી છે.
સંજય રાઉત અને શરદ પવારની તસવીરોનો કૉલાજ
ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાયેલાં નેતા ડૉ. નીલમ ગોર્હેએ દિલ્હીમાં ચાલી રહેલા ૯૮મા અખિલ ભારતીય સાહિત્ય સંમેલનમાં ‘અસે ઘડલો આમ્હી’ કાર્યક્રમમાં પોતાની જૂની પાર્ટી વિશે કહ્યું હતું કે ઠાકરેની શિવસેનામાં બે મર્સિડીઝની સામે એક પદ આપવામાં આવતું હતું. આને લીધે પૉલિટિકલ પાર્ટીઓએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. એમાં સૌથી તીવ્ર રીઍક્શન ઉદ્ધવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આપ્યું હતું. તેમણે તો શરદ પવાર પર પણ નિશાન તાક્યું હતું.
તેમણે કહ્યું હતું કે ‘સાહિત્ય સંમેલનમાં જે કાદવફેંક થઈ રહી છે એના માટે શરદ પવાર જવાબદાર છે. તેઓ ચૂપ કઈ રીતે બેસી શકે? તેમના પર આવી રીતે જ્યારે પણ કાદવ ફેંકવામાં આવે છે ત્યારે અમે તેમના પડખે ઊભા રહીને બોલીએ છીએ. સાહિત્ય મહામંડળ ભ્રષ્ટ સંસ્થા છે. એ પૈસા લઈને કાર્યક્રમ રાખે છે. શરદ પવાર આ જવાબદારીમાંથી છટકી ન શકે, કારણ કે તેઓ સ્વાગતાધ્યક્ષ છે. તેમણે આનો વિરોધ કરવો જ જોઈએ.’
ADVERTISEMENT
ત્યાર બાદ સંજય રાઉતે નીલમ ગોર્હેના સ્ટેટમેન્ટ વિશે કહ્યું હતું કે ‘નીલમ ગોર્હેનું વક્તવ્ય તો વિકૃતિ છે. મને હજી યાદ છે કે બાળાસાહેબે કહ્યું હતું કે આ કોને તમે પક્ષમાં લઈ આવ્યા છો? તેઓ લાયક ન હોવા છતાં તેમને પદ આપવામાં આવ્યું હતું. નાશિકનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થઈ રહ્યો હતો ત્યારે કોનાં-કોનાં નામ પર તેમણે કરોડો રૂપિયા લીધા હતા એ જાણવું જોઈએ. સાહિત્ય મહામંડળે માફી માગવી જોઈએ. મારી ખિલાફ વિધાનસભામાં હકભંગનો પ્રસ્તાવ લાવવો હોય તો લાવો. હું નીલમ ગોર્હે નામની વ્યક્તિની ખિલાફ બોલ્યો છું. આ બાઈએ વિશ્વાસઘાત કર્યો છે.’
આના જવાબમાં એકનાથ શિંદેની શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું હતું કે ‘સંજય રાઉતનું માનસિક સંતુલન બગડી ગયું છે. તેઓ એક મહિલાનું અપમાન કરી રહ્યા છે. આમ પણ તેમની પાસેથી સંયમની અમને કોઈ અપેક્ષા નથી.’
શું બોલ્યાં હતાં નીલમ ગોર્હે?
અખિલ ભારતીય મરાઠી સંમેલનમાં ‘અસે ઘડલો આમ્હી’ કાર્યક્રમમાં વિધાન પરિષદનાં સભ્ય નીલમ ગોર્હેને એકનાથ શિંદે સાથે જવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમને એવું લાગ્યું કે બાળાસાહેબના પુત્ર મુખ્ય પ્રધાન બન્યા છે એ સારું જ છે. જોકે ત્યાર બાદ તેમણે કાર્યકરોને મળવાનું જ બંધ કરી દીધું હતું. અમે દિવસમાં બે વાર RT-PCR (કોરોના માટેની ટેસ્ટ) કરાવીએ તો પણ મળવા નહોતું મળતું. કાર્યકર્તાઓને કોઈએ ઓછા ન આંકવા જોઈએ. ૨૦૧૨થી શિવાજી પાર્કમાં થતા શિવસેનાના પ્રત્યેક કાર્યક્રમ માટે થાણેથી માણસો લાવવામાં આવતા હતા અને આ કામ એકનાથ શિંદેને આપવામાં આવ્યું હતું.’
આનો મતલબ એવો થયો કે ૨૦૧૨થી તેમણે શિવસેનાને ઉથલાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો? એવા પ્રશ્નના જવાબમાં નીલમ ગોર્હેએ કહ્યું હતું કે ‘એવું નહોતું. આ બધું તેમના પર થોપવામાં આવતું હતું. એ સમયે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બે મર્સિડીઝ આપો તો એની સામે તમને એક પદ આપવામાં આવતું હતું.’
નીલમ ગોર્હેએ કરેલા આક્ષેપના અનુસંધાનમાં ઉદ્ધવસેનાનાં નેતા સુષ્મા અંધારેએ બદનક્ષીનો દાવો કરવાની જાહેરાત કરી છે.
શરદ પવારે પણ આપી વિગતવાર પ્રતિક્રિયા
સંજય રાઉતે શરદ પવાર પર આરોપ કર્યા બાદ ગઈ કાલે તેમણે પત્રકાર પરિષદ લઈને અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં થયેલા વિવાદના ઉત્તર આપ્યા હતા.
નીલમ ગોર્હે સાહિત્ય સંમેલનમાં આવું બોલ્યાં ન હોત તો સારું થયું હોત. આ તો મૂર્ખામીભર્યું સ્ટેટમેન્ટ હતું. સંજય રાઉતે જે કહ્યું છે એ ૧૦૦ ટકા બરાબર છે. ગોર્હેએ ચાર ટર્મ કઈ રીતે મેળવી એ બધાને ખબર છે.
સાહિત્ય સંમેલન રાજકીય વ્યાસપીઠ બની ગઈ છે એવી સંજય રાઉતની વાત સાથે હું સહમત નથી.
જો સંજય રાઉત સ્વાગતાધ્યક્ષ તરીકે મારા પર બધી જવાબદારી નાખવા માગતા હોય તો એનો મને વાંધો નથી.
સાહિત્ય સંમેલનના પદાધિકારીઓએ માફી માગી લીધી હોવાથી હવે આ વિવાદનો અંત લાવવો જોઈએ.
એકનાથ શિંદેના સત્કાર વિશે શરદ પવાર શું બોલ્યા?
તાજેતરમાં શરદ પવારના હસ્તે એકનાથ શિંદેને મહાદજી શિંદે પુરસ્કાર આપવામાં આવ્યો હોવાથી એનો ઉદ્ધવસેનાના નેતાઓએ જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે શરદ પવારે ગદ્દારોનું સન્માન ન કરવું જોઈએ. જોકે આ બાબતે પણ ગઈ કાલે તેમણે ખુલાસો કર્યો હતો. મરાઠા નેતાએ કહ્યું હતું કે કોનો સત્કાર કરવો એના માટે મારે શું કોઈની પરવાનગી લેવી જોઈએ?
દેવેન્દ્ર ફડણવીસે પણ આપી પ્રતિક્રિયા
નીલમ ગોર્હેએ કરેલા વક્તવ્ય વિશે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સાહિત્ય સંમેલનમાં રાજકીય વક્તવ્ય કરવું યોગ્ય ન કહેવાય, સાહિત્ય સંમેલનમાં બોલતી વખતે મર્યાદા પાળવી જોઈતી હતી.

