મેટ્રો ૩માં BKCથી સાંતાક્રુઝ સુધી પ્રવાસ કરશે : એ પહેલાં વાશિમ અને થાણેમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનાં ભૂમિપૂજન પણ કરશે : થાણેેમાં જાહેર સભા પણ કરશે
ગઈ કાલે રાત્રે ‘મિડ-ડે’ની ઑફિસની નજીક આવેલા મેટ્રો ૩ના બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ સ્ટેશન અને એની આસપાસના રસ્તાઓ પર છેલ્લી ઘડીનું ટચ-અપ ચાલી રહ્યું હતું. (તસવીરો: અતુલ કાંબળે)
નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને વાશિમની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સવારે સૌથી પહેલાં વાશિમ જશે, ત્યાર બાદ ચાર વાગ્યે થાણે પહોંચશે અને સાંજે ૬ વાગ્યે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) પહોંચશે. અહીં તેઓ મુંબઈની સૌપ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલવેનું લોકાર્પણ કરશે.
વાશિમ
ADVERTISEMENT
તેઓ સવારે ૧૧ વાગ્યે વાશિમ પહોંચશે. અહીં પોહરાદેવીમાં આવેલા જગદમ્બા માતાના મંદિરમાં દર્શન કરશે. એ પછી સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપશે. ૧૨ વાગ્યે બંજારા સમાજના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. બાદમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રની અંદાજે ૨૩,૩૦૦ કરોડ રૂપિયાની યોજનાનું ભૂમિપૂજન કરશે.
થાણે
સાંજે ચાર વાગ્યે તેઓ થાણે પહોંચશે. થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ, થાણેના છેડાનગરથી આનંદનગર સુધી એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રીવે એક્સ્ટેન્શન સહિત ૩૨,૮૦૦ કરોડ રૂપિયાની વિવિધ યોજનાનું ભૂમિપૂજન કરશે. થાણેમાં ઘોડબંદર રોડ પરના કાસારવડવલી ખાતેના વાલાવલકર ગ્રાઉન્ડમાં વડા પ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોડબંદર રોડ પર મોટા પાયે ભારે વાહનોની અવરજવર રહે છે. આ સભાને કારણે થાણેના ખારેગાવ ટોલનાકા અને કશેળી ટોલનાકાથી થાણે તરફ જતાં તમામ ભારે વાહનોની પ્રવેશબંધી આજે રાતે ૧૨ વાગ્યા સુધી રહેશે.
BKC
સાંજે ૬ વાગ્યે BKC પહોંચશે. BKCથી આરે JVLR સુધીની સૌપ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલનું લોકાર્પણ કરશે અને BKCથી સાંતાક્રુઝ મેટ્રો સ્ટેશન સુધી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં પ્રવાસ કરશે.