ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે સહિતના નેતાઓ ગેરહાજર રહેતાં જૂથબાજી જોવા મળી
નાગપુરમાં ગઈ કાલે કૉન્ગ્રેસે સદ્ભાવના શાંતિયાત્રા કાઢી હતી.
નાગપુરમાં ૧૭ માર્ચે મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરવાની સાથે વાહનોને આગ ચાંપી હતી. આ રમખાણને પગલે નાગપુરમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે એના પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કૉન્ગ્રેસે ગઈ કાલે સદ્ભાવના શાંતિયાત્રાનું આયોજન કર્યું હતું. આ રૅલી સવારે ૯.૩૦ વાગ્યે શરૂ કરીને વિવિધ વિસ્તારમાંથી પાંચ કિલોમીટર સુધીની આયોજિત કરવામાં આવી હતી. જોકે સદ્ભાવના રૅલી બે કલાક મોડી શરૂ થઈ હતી અને માત્ર અડધો કિલોમીટરમાં સમેટાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યભરના કૉન્ગ્રેસના નેતાઓને સદ્ભાવના શાંતિયાત્રામાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પક્ષના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, નાગપુરના ભૂતપૂર્વ સંસદસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન વિલાસ મુત્તેમવાર સહિતના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ નેતાઓ સદ્ભાવના શાંતિયાત્રામાં સામેલ ન થવાથી પક્ષમાં જ એકમત ન હોવાનું જણાઈ આવ્યું છે.


