કેટલાક લોકો દ્વારા આવી બોગસ જાહેરાત આપીને ચીટિંગ કરવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવતાં યુનિવર્સિટીએ સાઇબર પોલીસમાં આ વિશે ફરિયાદ પણ નોંધાવી છે.
ફાઇલ તસવીર
સોશ્યલ મીડિયામાં ઘેરબેઠાં ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કરીને મુંબઈ યુનિવર્સિટીની માર્કશીટ ઉપલબ્ધ કરાવવાનો દાવો કરતી જાહેરાતથી સાવધ રહેવાની ચેતવણી મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કરી છે. કેટલાક લોકો દ્વારા આવી બોગસ જાહેરાત આપીને ચીટિંગ કરવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવતાં યુનિવર્સિટીએ સાઇબર પોલીસમાં આ વિશે ફરિયાદ પણ નોંધાવી છે. મુંબઈ યુનિવર્સિટીએ માહિતી આપી હતી કે ‘પુણેના એક રહેવાસીએ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેને ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયામાં ઘેરબેઠાં મુંબઈ યુનિવર્સિટીની માર્કશીટ પહોંચાડવામાં આવશે. જાહેરાતમાં આપવામાં આવેલા કૉન્ટૅક્ટ-નંબર પર સંપર્ક કરતાં તેને ૨૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. આટલી રકમનું ઑનલાઇન પેમેન્ટ કર્યા બાદ તેને વૉટ્સઍપમાં BScના ચોથા સેમેસ્ટરની માર્કશીટ મોકલવામાં આવી હતી. અમારી તપાસમાં જણાયું છે કે આ માર્કશીટ ફોટોશૉપ અને બીજા ટૂલથી બનાવવામાં આવેલી બોગસ છે. આથી આવી જાહેરાતથી સાવધાન રહેવું. અમે આ સંબંધે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.’