થાણે મહાનગરપાલિકાએ કોરોનાના નિયમોનો ભંગ કરનારા લેડીઝ બાર પર માર્યો છાપો
લેડીઝ બાર
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોનાના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે થાણેમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. થાણેમાં મોડી રાત્રે બાર ચાલુ હોવાથી પાલિકાએ બે લેડીઝ બાર સહિત પાંચ બાર વિરુદ્ધ કાર્યવાહી કરીને પાંચેય બારને સીલ કરી દીધા છે. મ્યુનિસિપલ કમિશનરે આ બારના માલિકો સામે ગુનો દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
કોરોનાવાઇરસના કેસ દિવસે ને દિવસે વધતા જતા હોવાથી થાણે પાલિકાએ જાહેર સ્થળો પર ભીડ ન કરવા વિશે મહત્ત્વની સૂચનાઓ આપી હતી. એને કારણે પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત નૌપાડા વૉર્ડ સમિતિ અને માજીવાડા અને માનપાડા વૉર્ડ સમિતિ અંતર્ગત બે લેડીઝ બાર સહિત કુલ પાંચ બાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. વૉર્ડ સમિતિ અંતર્ગત કાપૂરબાવડી ખાતે સનસિટી લેડીઝ બાર સાથે હીરાનંદાની એસ્ટેટમાં ટીઆરપી લાઉન્જ, પૉપ ટેટ્સ અને મિઝોને લાઉન્જને પણ સીલ કરવામાં આવ્યા હતા. આ પાંચેય બાર મોડી રાત્રે ચાલુ હતા. આ બારમાં અને લાઉન્જમાં કોઈએ પણ માસ્ક પહેર્યા નહોતા. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મ્યુનિસિપલ કમિશનર વિપિન શર્માએ આદેશ આપ્યો હતો કે સામાજિક અંતર, સ્વચ્છતા અને માસ્કના ઉપયોગના નિયમોનું ઉલ્લંઘન કરે તો દુકાનો અને ઑફિસો સીલ કરી દેવી. તેમણે થાણેના ડેપ્યુટી કમિશનર અને સહાયક કમિશનરોને આ આદેશો લાગુ કરવા માટે સૂચના આપી હતી. એ સાથે સોમવારે રાતના દરોડામાં પોલીસ પ્રશાસનને પણ બારમાલિક વિરુદ્ધ ફરિયાદ નોંધીને બાર સીલ કરવાનો આદેશ આપ્યો છે.

