અંધેરી ઈસ્ટમાં મરોલ પાઈપલાઈન રોડ પર ઓમ નગર વિસ્તારમાં, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકના એક ખુલ્લા પ્લોટ પાસેની ગટરમાંથી સફાઈ કામદારોને એક અતિશય કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તસવીર સૌજન્ય - સ્પેશ્યલ અરેન્જમેન્ટ
મુંબઈ પોલીસે અંધેરી ઈસ્ટમાં 80 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચોંકાવનારી ઘટનામાં મૃતકના સગા ભાઈ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લાશ મળ્યાના માત્ર 24 કલાકની અંદર જ આ હત્યાકાંડ પરથી પડદો ઉઠાવ્યો છે. આ સમગ્ર કેસ 24 એપ્રિલ, 2026 ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. અંધેરી ઈસ્ટમાં મરોલ પાઈપલાઈન રોડ પર ઓમ નગર વિસ્તારમાં, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકના એક ખુલ્લા પ્લોટ પાસેની ગટરમાંથી સફાઈ કામદારોને એક અતિશય કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9 ટીમો દ્વારા હાથ ધરાઈ ઓળખ વિધિ
ADVERTISEMENT
મૃતદેહની હાલત જોઈને ઓળખ કરવી મુશ્કેલ હતી, તેથી મુંબઈ પોલીસની 9 ટીમોને કામે લગાડવામાં આવી હતી. શરીરે પહેરેલા દાગીના અને અન્ય પુરાવાઓને આધારે જાણવા મળ્યું કે આ મૃતદેહ 80 વર્ષીય બ્લાંચ જેમ્સ સિક્વેરાનો છે, જેઓ અંધેરી ઈસ્ટ મરોલ પાઈપલાઈન વિસ્તારના રહેવાસી હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, સહર પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈ જોસેફ સિક્વેરાએ જ તેમના ગુમ થવાની ફરિયાદ આ વર્ષની શરૂઆતમાં નોંધાવી હતી.
કૌટુંબિક ઝઘડો હત્યામાં પરિણમ્યો
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બ્લાંચનો તેમના ભાઈ જોસેફ અને ભાભી મારિયા સાથે વારંવાર ઝઘડો થતો હતો. છેલ્લે 9 જાન્યુઆરી, 2026 ના રોજ તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બ્લાંચ ગુમ થયા હતા. શંકાના આધારે પોલીસે 65 વર્ષીય જોસેફ સિક્વેરા, તેની 63 વર્ષીય પત્ની મારિયા અને તેમના પુત્રની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ આયોજનબદ્ધ રીતે આ કૃત્યને અંજામ આપ્યો હતો. લાશને ગટરમાં ફેંક્યા બાદ આરોપી ભાઈએ પોતે જ સહર પોલીસ સ્ટેશન જઈને બહેન ગુમ થઈ હોવાની નાટકબાજી કરી હતી, જેથી કોઈને તેના પર શંકા ન જાય. પોલીસે જણાવ્યું કે આટલા મહિનાઓ સુધી લાશ ગટરમાં પડી હોવા છતાં કોઈનું ધ્યાન ગયું નહોતું, પરંતુ સફાઈ કામદારોની સતર્કતાને કારણે આ પાપ છાપરે ચડીને પોકાર્યું છે.
પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત
પોલીસની કડક પૂછપરછમાં જોસેફ સિક્વેરાએ કબૂલ્યું કે 10 જાન્યુઆરીની વહેલી સવારે તેણે પોતાની બહેનની હત્યા કરી હતી. પુરાવા નાશ કરવા માટે તેણે લાશને નજીકની ગટરમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે પોતે જ પત્ની સાથે મળીને બહેન ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે જોસેફ અને મારિયા સિક્વેરાની ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે. ત્રણ મહિના જૂના આ હત્યાકાંડને લાશ મળ્યાના 24 કલાકમાં ઉકેલી નાખવા બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ ટીમની કામગીરીની પ્રશંસા કરી છે. વધુમાં, પોલીસે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક ખબરીઓનો પણ ઉપયોગ કર્યો હતો. જે રીતે આરોપીઓએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસને ગેરમાર્ગે દોર્યા, તે જોતા તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પકડાયેલા દંપતીને કોર્ટમાં હાજર કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી હત્યા પાછળના અન્ય કોઈ છૂપા ઈરાદાઓ હોય તો તે પણ જાણી શકાય. મુંબઈ પોલીસની આ ઝડપી કામગીરીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ જાગી છે.
