મુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
ફાઈલ તસવીર.
કોરોનાની મહામારીને કારણે આર્થિક રીતે નબળી પડી ગયેલી રાજ્યની જનતા માટે સારા સમાચાર છે. ૧ એપ્રિલથી વીજળીના દરમાં ૧થી ૨ ટકા જેટલો ઘટાડો થવાનો છે. વળી આ ઘટાડો આવતા માર્ચ મહિના સુધી રહેશે. માન્યું કે વીજદરમાં ઘટાડો બહુ મામૂલી છે, પણ એટલી રાહત પણ સામાન્ય જનતા માટે તો આવકાર્ય જ છે. સરકારની મધ્યસ્થી વગર મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (મર્ક)ના ગયા વર્ષે બહાર પડેલા મલ્ટિ-યર ટૅરિફ ઑર્ડરને કારણે શક્ય બન્યું છે, આમ રાહતનો લાભ લોકોને મળશે.
કોરોનાકાળમાં વધીને આવેલાં વીજળીનાં બિલ બાબતે અનેક ફરિયાદો થઈ હતી, આંદોલન પણ થયાં હતાં. રાજ્ય સરકાર આ સંદર્ભે કઈ રીતે લોકોને રાહત આપી શકાય એ માટેના પ્રયાસ કરી રહી હતી. એક તબક્કે તો રાહત આપવાનું ઊર્જાપ્રધાને જાહેર પણ કરી દીધું હતું, પણ ત્યાર બાદ એ રાહતને કારણે સરકારની તિજોરી પર પડનારા બોજને લક્ષમાં લેતાં એ નિર્ણય ફેરવી તોળાયો હતો.
ADVERTISEMENT
આજ અઠવાડિયાની શરૂઆતમાં વિધાનસભાના સત્રમાં વિપક્ષ દ્વારા આ બાબતે જોરદાર રજૂઆત કરવામાં આવતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વીજ-કંપનીઓને કહ્યું કે આ બાબતે ચર્ચા કરીને અમે નિર્ણય લઈશું ત્યાં સુધી કોઈનાં વીજળનાં કનેક્શન કાપવા નહીં.
મુંબઈની એક પ્રાઇવેટ કંપનીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેઓ મર્કના આદેશથી બંધાયેલા છે અને જો મર્ક કહેશે તો જ તેમણે એ દરને અનુસરવા પડશે. કંપનીઓ દ્વારા તએના જનરેશન અને પ્રૉક્યોરમેન્ટને ગણતરીમાં લઈને મર્ક દ્વારા પ્રોસીજર પ્રમાણે દર પાંચ વર્ષે વીજદરમાં વધારો કો ઘટાડો નક્કી કરાય છે. મલ્ટિ લેયર ઑર્ડર્સમાં દરેક કૅટેગરીના ગ્રાહકોના ભાવ દર વર્ષે બદલાય છે. જો સરકાર કૉમ્પેન્સેટ કરવાની ખાતરી આપતી હોય કે પછી ભવિષ્યમાં હાલમાં અપાયેલા ડિસ્કાઉન્ટની વસૂલી કરવાની મંજૂરી આપે તો પણ દરમાં રાહત આપી શકાય છે.

