યે દિલ માંગે મોર
ફાઈલ તસવીર
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે મહિલાઓ માટે વિશેષ ભેટની જાહેરાત કરી છે. એ અંતર્ગત સ્ટૅમ્પ-ડ્યુટી ચાર્જિસમાં એક ટકાનું ડિસ્કાઉન્ટ મળશે, જો પ્રૉપર્ટી માત્ર મહિલાના નામે હશે તો જ. આ જાહેરાતને લીધે સરકારની તિજોરી પર ૧૦૦૦ કરોડ રૂપિયાનો બોજ વધી જવાનો છે. આ બાબતે ‘મિડ-ડે’એ અમુક મહિલાઓ સાથે વાત કરતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી, પણ તેમની સરકાર પાસેથી બીજી પણ ઘણી અપેક્ષા છે.
મહિલાઓના ઉદ્યોગને સબસિડી આપો
ADVERTISEMENT
થાણે-વેસ્ટમાં હરિનિવાસ સર્કલ પાસે રહેતાં અને યોગ-ટ્રેઇનર પુષ્પા નિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે મહિલાઓ માટે કરેલા અનાઉન્સમેન્ટથી ખુશ છીએ, પરંતુ ગુજરાતમાં આના કરતાં અનેક વધુ સુવિધા મહિલાઓને મળી રહી છે. એક ટકાથી સરકારની તિજોરીમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ સરકારે મહિલાઓ માટે વિચાર્યું એ સારું લાગ્યું. મહારાષ્ટ્ર સરકારે ઉદ્યોગધંધા વધારવા હોય તો મહિલાઓના ઉદ્યોગમાં ખાસ સબસિડી આપવાની જરૂર છે.
મહિલા સશક્તીકરણમાં મદદરૂપ
મરીન લાઇન્સમાં રહેતાં અને અંધેરી કામ પર જતાં મિતી વિરલ ઠક્કરે જણાવ્યું હતું કે ‘મહિલાઓ અનેક સમસ્યા પાર કરીને દરેક ક્ષેત્રમાં પોતાનો પગ જમાવી રહી છે. આવા સમયે સરકાર પણ જો તેમના પડખે સ્ટ્રૉન્ગલી ઊભી રહેશે તો કદાચ મહારાષ્ટ્રમાં દરેક ક્ષેત્રે મહિલાઓ અવ્વલ થઈ જશે. મહિલાઓમાં કૉન્ફિડન્સ ઊભો થશે અને એક રીતે મહિલાઓની સુરક્ષા માટે તેને કોઈની જરૂર પડશે નહીં. સરકારે કરેલી આ જાહેરાત મહિલા સશક્તીકરણમાં મદદરૂપ થશે અને આર્થિક રીતે પણ ઘણી મદદ મળી રહેશે.’
પ્રૉપર્ટી ખરીદવામાં ડિસ્કાઉન્ટ
કાંદિવલી-વેસ્ટમાં ઈરાનીવાડીમાં રહેતાં વર્કિંગ વુમન અમી ત્રિવેદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું અને મારા જેવી અનેક મહિલાઓ જે ફ્લૅટ લેવાની છે કે લેવાના વિચારમાં છે તેમને માટે સારું રહેશે, પરંતુ મુંબઈમાં પ્રૉપર્ટીના ભાવ આસમાને છે એ સૌકોઈ જાણે છે એથી જો મહિલા પ્રૉપર્ટી ખરીદે તો થોડા ઓછા ભાવમાં મળે એવું કોઈક પ્રોવિઝન કરવું જોઈએ.’


