તાપસી, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલને ત્યાં પડી ઇન્કમ-ટૅક્સની રેઇડ
તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નુ પર ઇન્કમ-ટૅક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ગઈ કાલે તેમની મુંબઈ અને અન્ય પ્રિમાઇસિસ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. કરચોરીના કેસને લઈને આ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને મધુ મન્ટેનાના પ્રોડક્શન હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સને લઈને આ રેઇડ પાડવામાં આવી છે. કરચોરીને લઈને મુંબઈ અને પુનામાં બાવીસ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. ફૅન્ટમ ફિલ્મ્સની સ્થાપના ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ કંપની પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરતી હતી. અનુરાગ કશ્યપ પણ આ કંપનીનો માલિક હતો. જોકે ૨૦૧૮માં વિકાસ બહલ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો લાગ્યા બાદ તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કંપની બંધ કરી દેવામાં આવી હતી. સૌએ જાહેરાત કરી કે તેઓ હવે સ્વતંત્ર ફિલ્મો બનાવશે. જોકે તાપસીના ઘરે શું કામ દરોડા પાડવામાં આવ્યા છે એ વિશે ચોક્કસ માહિતી જણાવવામાં નથી આવી.
ADVERTISEMENT
વિકાસ બહલ
અસંમતિના અવાજને દાબવા દરોડા : એનસીપી
બૉલીવુડના અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પર પાડવામાં આવેલા આવકવેરા ખાતાના દરોડા એ મોદી સરકાર વિરુદ્ધ બોલનારા લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ છે એમ રાજ્યના કૅબિનેટ કક્ષાના પ્રધાન નવાબ મલિકે ગઈ કાલે કહ્યું હતું.
ઈડી, સીબીઆઇ અને આવકવેરા વિભાગ કેન્દ્ર સરકારની એ સંસ્થાઓ છે જે સરકાર વિરુદ્ધ બોલનારા કે એની વિરુદ્ધનું વલણ રાખનારા લોકોને ટાર્ગેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે એમ તેમણે દક્ષિણ મુંબઈમાં વિધાનભવનની બહાર પત્રકારોને કહ્યું હતું.
અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના ઘરે રેઇડ પાડવામાં આવી છે. આ બન્નેએ મોદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમના અવાજને દબાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું એમ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું.

