આ હેલ્પલાઇન માટે ટોટલ બાવીસ ફોનલાઇન છે : મુંબઈની સાઇબર પોલીસે ૨૪૧ કરોડ રૂપિયા બચાવ્યા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સાઇબર ફ્રૉડને લગતા ગુનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈ પોલીસની સાઇબર હેલ્પલાઇન ૧૯૩૦ બહુ જ મહત્ત્વની સાબિત થઈ રહી છે. ત્રણ વર્ષ પહેલાં ૨૦૨૨ની ૧૭ મેએ ઇન્ટ્રોડ્યુસ કરાયેલી આ સાઇબર હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગનારા ફરિયાદીઓની સંખ્યા શુક્રવારે એક લાખને પાર કરી ગઈ હતી. સામે સાઇબર પોલીસે પણ ફરિયાદ મળતાં જ ઝડપી ઍક્શન લઈ સાઇબર ફ્રૉડનો ભોગ બનેલા લોકોની રકમ અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને કઢાવી લેવાય એ પહેલાં જ એને બૅન્કમાં જ રોકી બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મુંબઈ સાઇબર પોલીસે આ ઝડપી કાર્યવાહી કરી લોકોના ૨૪૧ કરોડ રૂપિયા બચાવી લીધા છે. શરૂઆતમાં આ હેલ્પલાઇન માટે ૬ ફોનલાઇન રાખી હતી. એ પછી ફરિયાદો વધતાં હવે બાવીસ ફોનલાઇન રાખવામાં આવી છે. વળી ૨૪ X ૭ આ ફોનની રિંગ રણકતી રહે છે. રાઉન્ડ ધ ક્લૉક સ્ટાફ બેસાડી લોકોને મદદ કરવામાં આવી રહી છે.

