વસઈની મહિલાએ અડધી રાત્રે બતાવી જબરદસ્ત બહાદુરી
એટીએમ તોડવાની કોશિશ કરનાર સલીમ મન્સુરીને લઈ જતી પોલીસ
વસઈમાં એક આધેડ મહિલાએ ચતુરાઈપૂર્વક એટીએમ-ચોરને પકડાવી દીધો હતો. વસઈ-ઈસ્ટના ફાધરવાડીમાં બુધવારે મધરાત બાદ ૩ વાગ્યે આ ઘટના બની હતી.
બૅન્ક ઑફ ઇન્ડિયાના એટીએમમાં રાતે ૨.૩૦ વાગ્યે એક યુવાન ઘૂસ્યો હતો અને હથોડાથી મશીન તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ વખતે એટીએમને અડીને આવેલી એક રૂમમાં રહેતી ૪૫ વર્ષની સુલભા પવારની ઊંઘ સતત આવતા હથોડાના અવાજને કારણે ઊડી ગઈ હતી. તેણે બહાર આવીને જોતાં એટીએમનું શટર પાડેલું હતું અને અંદરથી હથોડાના અવાજ આવી રહ્યા હતા. તેણે ચતુરાઈપૂર્વક એટીએમને બહારથી તાળું મારી દીધું હતું અને ત્યાર બાદ પાડોશી ખાલીદ શેખને ફોન કરીને જાણ કરી હતી. સુલભા પવારની દીકરીએ તેને એમ કરતાં રોકી હતી અને કહ્યું પણ ખરું કે તું શા માટે જોખમ લે છે. એમ છતાં સુલભા પવારે કહ્યું કે બહાર કોઈ નથી અને હિંમત કરીને તેણે શટરને તાળું મારીને ચોરને એટીએમમાં પૂરી દીધો હતો.
ADVERTISEMENT
હથોડાથી તોડવાના અવાજથી જાગીને તેને પકડાવી દેનાર સુલભા પવાર.
પાડોશી ખાલીદ શેખે અન્ય લોકોને પણ એ વિશે જાણ કરી અને વાલિવ પોલીસને પણ ઇન્ફૉર્મ કરતાં તે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ તે યુવાન ચોર સલીમ મન્સુરીને પકડી લેવાયો હતો. તેની પાસેથી મોટો હથોડો અને અન્ય સાધનો મળી આવ્યાં હતાં. તેણે અડધું મશીન તોડવામાં સફળતા મેળવી હતી, પણ કૅશ સુધી પહોંચી નહોતો શક્યો. વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ વી. ચૌગુલેએ કહ્યું હતું કે બોરીવલીમાં રહેતો આરોપી સલીમ રીઢો ગુનેગાર છે અને આ પહેલાં પણ તેની સામે ચોરીના ગુના નોંધાયેલા છે.’

