કોરોનાના બનાવટી રિપોર્ટ બનાવનાર ખારના દંપતી સામે પોલીસ-ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર
કોવિડ-ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છતાં ફ્લાઇટમાં જયપુર જવાનું હોવાથી એ રિપોર્ટ સાથે ચેડાં કરી એને નેગેટિવ દર્શાવનાર ખારના દંપતી સામે હવે પોલીસ-ફરિયાદ નોંધાઈ છે. ખાર પોલીસે હાલમાં માત્ર ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે, તેમની હજી સુધી ધરપકડ કરાઈ નથી.
૫૩ વર્ષના લક્ષ્મીચંદ થાવાણી, તેમનાં પત્ની લીના અને તેમની દીકરીએ ૨૬ ફેબ્રુઆરીએ થાઇરૉકૅર લૅબમાં તેમની કોવિડની આરટીપીસીઆર ટેસ્ટ કરાવી હતી. ૨૭મીએ સવારે ૮.૩૦ વાગ્યે તેમનો રિપોર્ટ પૉઝિટિવ હોવાની જાણ લૅબ દ્વારા પાલિકાના ‘એચ વેસ્ટ’ના સરકારી અધિકારી ડૉ. ઓમપ્રકાશ જયસ્વાલને કરાઈ હતી. એથી તેમણે થાવાણી દંપતીને ફોન કરીને જાણ કરી હતી કે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ત્યારે મિસિસ થાવાણીએ તેમને કહ્યું હતું કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ ફ્લાઇટ દ્વારા જયપુર જઈ રહ્યા છે. એથી ડૉક્ટરે તેમનો રિપોર્ટ મગાવ્યો હતો. મિસિસ થાવાણીએ તેમને એ રિપોર્ટ વૉટ્સઍપ પર મોકલાવ્યો હતો, જેમાં નેગેટિવ દર્શાવાયું હતું. એથી એ બાબતે શંકા ગઈ હતી.
ADVERTISEMENT
વળી જ્યારે તે દંપતી અને તેમની ૧૫ વર્ષની દીકરી ઍરપોર્ટ પર પહોંચ્યાં તો આરોગ્ય સેતુ ઍપ પર તેઓ કોરોના પૉઝિટિવ હોવાનું દર્શાવાયું હતું. એથી તેમણે ફરી ડૉ. જયસ્વાલને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઍરપોર્ટ પર છે. ડૉ. જયસ્વાલે તેમને તરત જ ઘરે જઈને હોમ ક્વૉરન્ટીન થવા કહ્યું હતું. ત્યાર બાદ ડૉ. જયસ્વાલે આ બાબતે તેમના અધિકારીઓ સાથે ચર્ચા કરી ૨૭મીએ ખાર પોલીસ-સ્ટેશનમાં થાવાણી દંપતી સામે પોલીસ-ફરિયાદ કરી હતી.

