બીએમસીએ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા કાર જપ્ત કરી
બીએમસી
મુંબઈ મહાનગરપાલિકાનો મુખ્ય આવક સ્રોત ગણાતો પ્રૉપર્ટી ટૅક્સ કોરોનાકાળમાં આવવો ઘટી ગયો હતો. એથી હાલમાં જ્યારે પાલિકા આર્થિક સંકડામણ ભોગવી રહી છે ત્યારે પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવા જબરદસ્ત અભિયાન હાથ ધરાયું છે. પહેલાં પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવા પાણીનાં કનેક્શન કાપવામાં આવતાં હતાં. એ તો ચાલુ જ છે, પણ હવે બીએમસીના અધિકારીઓએ પ્રૉપર્ટી ટૅક્સ ભરવામાં આડોડાઈ કરતા લોકોની વૈભવી કાર જપ્ત કરી ટૅક્સ વસૂલવાનું ચાલુ કર્યું છે.
પાલિકાના ઍડિશનલ કમિશનર (પ્લાનિંગ) પી. વેલરાસુની દોરવણી હેઠળ આ અભિયાન ચાલી રહ્યું છે. પાલિકાના ‘એમ વેસ્ટ’ વૉર્ડ (વિલે પાર્લે)ના એક ડેવલપર પાસે ૩૮.૮૦ લાખનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવાનો બાકી હતો. એ ટૅક્સ તે ચૂકવી નહોતો રહ્યો એથી એની બીએમડબ્લ્યુ કાર જપ્ત કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ તે ૧૯ લાખ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ભરી તેની કાર છોડાવી ગયો હતો. ‘એમ વેસ્ટ’ના જ અન્ય બિલ્ડર પાસેથી પણ ૧.૧૦ કરોડનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવા તેની બ્રિઝા કાર જપ્ત કરાઈ અને તેની કન્સ્ટ્રક્શન સાઇટ પરની ઑફિસ પણ સીલ કરી દેવાઈ હતી.
ADVERTISEMENT
ફાઇનૅન્શિયલ યર ૨૦૨૦-’૨૧ માટે ૫૨૦૦ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ જમા કરવાનું લક્ષ્ય હતું. એ સામે હવે અત્યાર સુધીમાં ૩૬૫૦ કરોડ રૂપિયા ટૅક્સ પેટે જમા થયા છે.

