પ્રકાશ મહેતાને બીજેપીએ અચરજ પમાડનારી નવી જવાબદારી સોંપી
પ્રકાશ મહેતા
મહારાષ્ટ્રમાં એક સમયે બીજા નંબરનું સ્થાન ધરાવતા ભૂતપૂર્વ હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાને લાંબા સમય સુધી અજ્ઞાતવાસમાં રાખ્યા બાદ બીજેપીએ મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શન પહેલાં ઉત્તર મધ્ય મુંબઈના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પ્રકાશ મહેતાએ પોતાની આખી પૉલિટિકલ કરીઅર ઉત્તર-પૂર્વ મુંબઈના લોકોની વચ્ચે ગાળી હોવા છતાં તેમને ઉત્તર-મધ્ય મુંબઈના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને આ વાતને લઈને ઘણા લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
ઘાટકોપરમાં છ ટર્મ પૂરી કરીને હાઉસિંગ મિનિસ્ટર પદે પહોંચેલા પ્રકાશ મહેતાને ૨૦૧૯ના મહારાષ્ટ્રના વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળે ઘાટકોપર-ઈસ્ટમાંથી વિધાનસભ્યની ટિકિટ આપવામાં આવી નહોતી. તેમના સ્થાને ઘાટકોપરના બિલ્ડર પરાગ શાહને ટિકિટ આપવામાં આવી હતી, જેને પગલે પ્રકાશ મહેતાના કાર્યકરોમાં જબરદસ્ત અસંતોષ ફેલાયો હતો તેમ જ પ્રકાશ મહેતા અને પરાગ શાહ વચ્ચે ખટરાગ ઊભો થયો હતો. એ ચૂંટણીથી લઈને આજદિન સુધી પ્રકાશ મહેતાને પાર્ટી તરફથી કોઈ નાની-મોટી જવાબદારી સોંપવામાં આવી નહોતી. એટલું જ નહીં, ઘાટકોપરના બીજેપીના કાર્યક્રમોનાં બેનરો પરથી પ્રકાશ મહેતાનું નામ અને ફોટો અદૃશ્ય થઈ ગયા છે, જેને કારણે પ્રકાશ મહેતાના કાર્યકરો ઑલ મોસ્ટ નિષ્ક્રિય થઈ ગયા છે.
ADVERTISEMENT
વિવાદ એટલો વકરી ગયો હતો કે પ્રકાશ મહેતાએ ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી ૫૦ ફુટના અંતરમાં જ તેમનું પોતાનું કાર્યાલય શરૂ કરીને લોકમેળો ભરવાનો શરૂ કર્યો છે. આવા સંજોગોમાં અચાનક તેમના માથે મુંબઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શન પહેલાં ઉત્તર મધ્ય મુંબઈના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવતાં પ્રકાશ મહેતાના ગઢમાં અચરજ ફેલાયું હતું.
અનેક રાજ્યો અને શહેરોમાં ઇલેક્શનના સમયે પ્રભારી રહી ચૂકેલા પ્રકાશ મહેતાએ કોઈ પણ જાતનો ઉત્સાહ વ્યક્ત કર્યા વગર ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે મને મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે તમે આ જવાબદારી સ્વીકારો. હવે પ્રભારીની જવાબદારીની ડિટેલ્સ જાણીને પછી પ્રતિક્રિયા આપીશ.’
પ્રકાશ મહેતાના આ જવાબ પછી ‘મિડ-ડે’એ પ્રકાશ મહેતાને કહ્યું હતું કે ‘તમે અગાઉ અનેક વાર પ્રભારી રહી ચૂક્યા છે, જેમાં કાર્યકરો સાથે કો-ઑર્ડિનેશન કરવાનું મુખ્ય કાર્ય હોય છે. તમે આ કાર્યના અનુભવી છો તો તમને લાગે છે કે આ ઉત્તર મધ્ય મુંબઈમાં આ જવાબદારી સંભાળવી એક ચૅલેન્જ છે, પરંતુ તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી.
ઈશાન મુંબઈના સંસદસભ્યનું શું કહેવું છે?
ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે આ બાબતમાં પ્રતિક્રિયા આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતા સંગઠનનું કામ કરનારા મુંબઈ અધ્યક્ષ સ્તરના એક અનુભવી વ્યક્તિ છે. તેમને પ્રભારી બનાવવાથી ચોક્કસ પાર્ટીને ફાયદો થશે. તેમના અનુભવનો પાર્ટીને ફાયદો થાય એવો પાર્ટીએ નિર્ણય લીધો છે. તેમના પ્રભારી પદથી નિશ્ચિતપણે સંગઠનને ફાયદો થશે, એમાં કોઈ શંકા નથી.’

