બાંદરા-ઈસ્ટના પાલીનાકાના રહેવાસીઓને કચરો સાફ થવાને કારણે દુર્ગંધ ઓછી થઈ ગઈ છે એ વાતની ખુશી છે
તસવીર : અતુલ કાંબળે
બાંદરા-ઈસ્ટના પાલીનાકા વિસ્તારમાં ખાલી પડેલા એક પ્લૉટમાં જમા થયેલો કચરો બીએમસીએ સાફ કર્યો છે. હવે રહેવાસીઓ અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા નશાખોરોનો પ્રશ્ન હાથ ધરવા માટે પોલીસને મળવાનું વિચારી રહ્યા છે. આ વિસ્તારના એક રહેવાસીએ કહ્યું હતું કે કચરો સાફ થવાને કારણે દુર્ગંધ ઓછી થઈ છે અને એ વાતની અમને ખુશી છે.
આ વિસ્તારના ખાલી પ્લૉટમાં કચરો જમા થવાને કારણે સ્થાનિક રહેવાસીઓને જે તકલીફ પડતી હતી એનો વિગતવાર અહેવાલ ‘મિડ-ડે’એ ૨૧ નવેમ્બરે છાપ્યો હતો. એને પગલે બીએમસીએ તરત પગલાં લઈને એ કચરો દૂર કરાવ્યો હતો.
ADVERTISEMENT
સુનીલ ખોસલા નામના એક રહેવાસીએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ સાફ કરવા માટે અમે બીએમસીનો સંપર્ક કર્યો હતો, પરંતુ અધિકારીઓએ કહ્યું હતું કે એ પ્રાઇવેટ પ્લૉટ હોવાથી અમે કંઈ ન કરી શકીએ. આમ છતાં ‘મિડ-ડે’નો અહેવાલ છપાયા બાદ બીએમસીએ પગલાં લીધાં હતાં. ડમ્પિંગ ગ્રાઉન્ડ ક્લિયર થવાથી અમારી સમસ્યાઓનો ઉકેલ નથી આવતો, કારણ કે એ પ્લૉટ ખુલ્લો હોવાથી અનેક લોકો ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને નશાખોરો ત્યાં આવે છે. આથી સાંજ પછીના સમયમાં રહેવાસીઓ એ તરફ જવાનું ટાળે છે. એ પ્લૉટમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાને કારણે લૉ ઍન્ડ ઑર્ડરની સમસ્યા પેદા થઈ શકે છે. આ સંદર્ભમાં અમે પોલીસને મળવાના છીએ.’

