લાડકી બહિણ યોજનામાં જે મહિલાઓ હવે પાત્ર નથી તેમની પાસેથી પૈસા પાછા લેવામાં નહીં આવે
અદિતી તટકરે
મુખ્ય મંત્રી માઝી લાડકી બહિણ યોજનાનો આ મહિનાનો હપ્તો આજકાલમાં મહિલાઓનાં ખાતાંમાં જમા થઈ જવાનો છે, પણ એ પહેલાં યોજનાના લાભાર્થીઓની સ્ક્રૂટિની શરૂ થઈ હોવાથી ખોટી રીતે આ યોજનાનો લાભ લેનારાઓ પાસેથી અત્યાર સુધી આપવામાં આવેલા પૈસા પાછા લેવામાં આવશે એવું બોલનારા મહિલા અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેએ ગઈ કાલે ફેરવી તોળ્યું હતું.
અમુક મહિલાઓએ સામે ચાલીને આ યોજનાનો લાભ નથી જોઈતો એવી અરજી અમને મોકલી છે એમ જણાવતાં અદિતિ તટકરેએ કહ્યું હતું કે ‘આ મહિલાઓનું કહેવું છે કે હવે તેમને નોકરી મળી ગઈ હોવાથી તેઓ આ યોજના માટે પાત્ર નથી રહેતાં. આવા લોકોને હવેથી યોજનાનો લાભ નહીં મળે. મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે અમે આ મહિલાઓ પાસેથી પૈસા પાછા લેવાના છીએ તો હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે અમે તેમની પાસેથી અત્યાર સુધી આપવામાં આવેલા પૈસા પાછા નથી લેવાના. આ યોજના હેઠળ અમે કોઈની પણ પાસેથી પૈસા રિટર્ન નથી લીધા.’ હાલમાં સરકાર આ યોજના હેઠળ મહિલાઓને મહિને ૧૫૦૦ રૂપિયા આપે છે જે વધારીને ૨૧૦૦ કરવાના છે. અત્યારે રાજ્યની ૨.૩૪ કરોડ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે.