ગૅન્ગે ભાવિકોના સોનાના દાગીના તથા લાખો રૂપિયાના મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે
ચિંચપોકલીચા ચિંતામણિની આગમનયાત્રા
મુંબઈના લાલબાગ વિસ્તારમાં શનિવારે ચિંચપોકલીચા ચિંતામણિની ભવ્ય આગમનયાત્રામાં ઊમટેલી માનવમેદનીનો લાભ ઉઠાવીને તસ્કરો અને ખિસ્સાકાતરુઓની ગૅન્ગે ભાવિકોના સોનાના દાગીના તથા લાખો રૂપિયાના મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આની કાલાચૌકી પોલીસ-મથકે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે.
કરી રોડમાં રહેતી ૩૨ વર્ષની એક મહિલા ગુરુકૃપા હોટેલ પાસે ઊભી હતી ત્યારે ભીડનો લાભ લઈને તસ્કર તેના ગળામાંથી એક લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયો હતો. અન્ય એક ઘટનામાં આગમનયાત્રા જોવા આવેલા ૧૮ વર્ષના ટીનેજરના ગળામાંથી પણ સોનાની ચેઇન તસ્કર ખેંચી ગયો હતો. આ બન્ને ઘટનાઓમાં ફરિયાદીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી.
આ ઉપરાંત ભીડનો લાભ લઈને લોકોના આઇફોન અને અન્ય મોંઘી બ્રૅન્ડના કુલ ૮.૨૭ લાખના મોબાઇલ ફોન ચોરાયા હોવાની ફરિયાદો નોંધાઈ છે.
