વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલાં રાજ ઠાકરેએ કહ્યું...
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાઈ ગઈ છે અને મતદાન થવામાં હજી ૨૦ દિવસનો સમય છે. મહાયુતિ કે મહા વિકાસ આઘાડી બેમાંથી કોણ વિજયી બનશે એની ચર્ચા થઈ રહી છે ત્યારે ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ એક મરાઠી ન્યુઝ ચૅનલ સાથેના ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો એના જોરદાર રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્ય પ્રધાનની આગેવાનીમાં સરકાર બનશે એમાં MNS પણ સામેલ થશે. ૨૦૨૯માં રાજ્યમાં MNSના મુખ્ય પ્રધાન બનશે. માહિમ બેઠક પર અમિત ઠાકરેની સામે ઉમેદવાર ઊભો રાખવો એ દરેક વિરોધ પક્ષના સ્વભાવનો ભાગ છે. બધા લોકો સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે. BJP જેવો મૅચ્યોર્ડ પક્ષ આ વાત સમજી શકે છે, બીજાઓને આ સમજાતું હોય એવું નથી. બીજાઓ માત્ર બૂમાબૂમ કરે છે. શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ પક્ષના ભાગલા પાડ્યા. હું શિવસેનામાંથી બહાર નીકળ્યો હતો ત્યારે પક્ષને ફોડ્યો નહોતો, કારણ કે મારે આવી રીતે પક્ષની સ્થાપના નહોતી કરવી.’