કેન્દ્ર સરકારની અરજીની મુંબઈની વડી અદાલતમાં સુનાવણી થઈ
કાંજુરમાર્ગમાં આવેલી એકીકૃત મેટ્રો ડેપો સાઈટ (તસવીર: આશિષ રાજે)
મુંબઈની મેટ્રો રેલવેના કારશેડ માટે કાંજુરમાર્ગના પ્લૉટની પસંદગી તમામ પાસાંના અભ્યાસ અને નિષ્ણાતો દ્વારા ચકાસણી બાદ કરવામાં આવી હોવાનું મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) તરફથી વડી અદાલતને જણાવવામાં આવ્યું હતું. મેટ્રો કારશેડ માટે કાંજુરમાર્ગની જમીન ફાળવતા મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના ૨૦૨૦ની ૧ ઑક્ટોબરના આદેશને પડકારતી કેન્દ્ર સરકારની અરજીની મુંબઈની વડી અદાલતમાં સુનાવણી દરમ્યાન એમએમઆરડીએના વકીલ દારિયસ ખંબાતાએ ઉપરોક્ત બાબત જણાવી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની બેન્ચ સમક્ષ દારિયસ ખંબાતાએ જણાવ્યું હતું કે ‘મેટ્રો કારશેડ બાંધવા માટે રાજ્ય સરકાર કે એમએમઆરડીએ સ્થળની પસંદગી કરે એની સામે વાંધો ઉઠાવવાનું કેન્દ્ર સરકાર પાસે કોઈ કારણ નથી. આવશ્યક અભ્યાસ, તપાસ અને ચકાસણી કર્યા બાદ કાંજુરમાર્ગનો પ્લૉટ પસંદ કરવામાં આવ્યો છે. આરે કૉલોનીનો પ્લૉટ નાનો છે અને કાંજુરમાર્ગના પ્લૉટમાં ત્રણથી ચાર મેટ્રો લાઇનના કારશેડ બંધાય એટલી મોકળાશ છે.’

