આશિષ શેલારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર ટેક્નૉલૉજીના ઉપયોગના મુદ્દે પીછેહઠ ન કરી શકે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને મહારાષ્ટ્રના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન આશિષ શેલારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં દેશનાં સૌથી વધુ ડેટા સેન્ટર ઊભાં કરવામાં આવશે એવી જાહેરાત કરીને MMRને દેશનું ડેટા સેન્ટર હબ બનાવવાની વાત કરી હતી. આ ઉપરાંત ડેટા સેન્ટરને લઈને સામાન્ય લોકોમાં જે ભય છે એ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન આશિષ શેલારે કહ્યું હતું કે ‘જ્યાં પણ ડેટા સેન્ટર બનાવવામાં આવે છે ત્યાં પાણીનો વધુ વપરાશ થાય છે, તાપમાનમાં વધારો થાય છે, પર્યાવરણને અસર થાય છે અને આ બધા જ ચિંતાના મુદ્દા છે. આ બધા મુદ્દે તપાસ તથા અભ્યાસ કરવા માટે અમે અમારા નિષ્ણાત અધિકારીઓને બહારના દેશોમાં મોકલ્યા છે.’
વિશ્વમાં ક્યાંય પણ આ બધી સમસ્યાઓનો ઉકેલ મળી શકે તો એ શોધવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ તથા પાણીના રી-યુઝ, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટરનો ઉપયોગ કરીને પર્યાયરણનું રક્ષણ કરવા જેવા બધા જ ઉપાયો શોધવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ જણાવીને આશિષ શેલારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર ટેક્નૉલૉજીના ઉપયોગના મુદ્દે પીછેહઠ ન કરી શકે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જરૂરી છે અને એનો નૈતિક રીતે ઉપયોગ કરવામાં આવવો જોઈએ.’
