મિથુન ચક્રવર્તીના દીકરા મહાઅક્ષય વિરુદ્ધ બળાત્કાર અને અબૉર્શનનો કેસ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
બૉલીવુડમાં વધુ એક રેપ કેસનો મામલો નોંધાયો છે જેમા બૉલીવુડ સેલિબ્રિટીનું નામ સંડોવાયેલું છે. બૉલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ના દીકરા મહાઅક્ષય ચક્રવર્તી (Mahaakshay Chakraborty) વિરુદ્ધ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની વાત કરીને વારંવાર બળાત્કાર કરવાનો અને જબરદસ્તી અબૉર્શનનો કેસ ફાઈલ થયો છે. મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી (Yogeeta Bali)ને પણ આમાં આરોપી બનાવાઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક અભિનેત્રીએ આ બન્ને વિરુદ્ધ કેસ ફાઈલ કરાવ્યો છે.
ઈન્ડિયા ટીવીના અહેવાલ પ્રમાણે, અભિનેતા મિથુન ચક્રવર્તીના દીકરા મહાઅક્ષય ચક્રવર્તી અને પત્ની યોગિતા બાલી વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતા અને મહાઅક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતાં. મહાઅક્ષયે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. વર્ષ 2015માં મહાઅક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા આપી હતી અને આ દરમિયાન મહાઅક્ષયે પીડિતાના કન્સેન્ટ વગર જ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછીથી લગ્નની વાતો કરતો રહ્યો. મહાઅક્ષય ઉર્ફે મિમોહ ચાર વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધતો રહ્યો અને શારીરિક-માનસિક રીતે પીડા આપતો રહ્યો. જ્યારે તેના રિલેશનશિપને કારણે પીડિયા પ્રેગ્નન્ટ થઈ તો મહાઅક્ષયે તેના પર અબૉર્શન કરાવવા માટે દબાણ આપ્યું અને જ્યારે તે ન માની તો તેને અમુક પિલ્સ આપીને તેનું અબૉર્શન પણ કરાવી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ, તેને ખબર ન હતી કે તેને જે પિલ્સ આપવામાં આવી રહી છે એનાથી તેનું અબૉર્શન થઈ શકે છે. મહાઅક્ષયની માતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને તેના પર કેસ પાછો લેવા માટે દબાણ પણ બનાવ્યું.
ADVERTISEMENT
ઓશિવરા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક દયાનંદ બાંગરે આ કેસની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે 'અમે કેસ ફાઈલ કરી લીધો છે અને તપાસ કરી રહ્યા છીએ.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતા અને દીકરા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતિ વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે. આ કેસમાં પીડિતાએ કોર્ટની મદદ માગી અને પછી કોર્ટના આદેશ પર કેસ ફાઈલ થયો છે.
તમને જણાવી દઈએ કે, આવી જ મુશ્કેલીમાં મહાઅક્ષય પહેલાં પણ ફસાયો હતો. બે વર્ષ પહેલાં 2018માં એક ભોજપુરી એક્ટ્રેસે મહાઅક્ષય પર લગ્ન કરવાનું વચન આપીને રેપ અને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો.


