મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીએ કહ્યું હતું
ફાઇલ તસવીર
શિવસેના (યુબીટી)એ ગુરુવારે કહ્યું હતું કે ‘શરિયાનો માત્ર વિરોધ સમાન નાગરિક સંહિતાનો આધાર હોઈ શકે નહીં. યુસીસીનો અર્થ કાયદામાં સમાનતા અને બધા માટે ન્યાય પણ છે. શરિયા એ કુરાનના ઉપદેશો અને મોહમ્મદની પરંપરાગત વાતો પર આધારિત ઇસ્લામિક ધાર્મિક કાયદો છે.’
મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત ૪૦ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવીને સમાન કાયદાનું સન્માન કરવું જોઈએ, જેમના શહેરી વિકાસ વિભાગે ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ૧૮ ભૂતપૂર્વ કૉર્પોરેટરો સામે પગલાં લીધાં છે.
તંત્રીલેખમાં જણાવ્યું હતું કે ‘ફક્ત મુસ્લિમોના શરિયા કાયદાનો વિરોધ કરવો એ યુનિફૉર્મ સિવિલ કોડનો આધાર નથી. કાયદા અને ન્યાયમાં સમાનતા હોવી એ પણ સમાન નાગરિક સંહિતા છે. આ કેવો કાયદો છે કે શાસક પક્ષના ભ્રષ્ટ લોકો, પ્રધાનો, ઉદ્યોગપતિઓને રક્ષણ આપવામાં આવે છે અને વિરોધી પક્ષોના નેતાઓને ભ્રષ્ટાચારવિરોધી કાયદા હેઠળ ફસાવવામાં છે.’