શિવસેના સાથે છેડો ફાડ્યો ત્યારથી આ વિધાનસભ્યોની આગળ-પાછળ પોલીસની ગાડીઓ રહેતી હતી, પણ હવે માત્ર એક પોલીસ જ તહેનાત રહેશે
એકનાથ શિંદે
મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે નારાજગી હોવાની ચર્ચા છે ત્યારે શિંદેસેનાના વિધાનસભ્યોની સુરક્ષા સંબંધે માહિતી જાણવા મળી છે. શિવસેનામાંથી છેડો ફાડ્યા બાદ શિંદેસેનાના વિધાનસભ્યો અને વરિષ્ઠ નેતાઓને Y કૅટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી, જેમાં હવે કાપ મૂકવામાં આવ્યો છે. શિંદેસેનાના નેતાઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના કેટલાક નેતાઓની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સરકારના આ નિર્ણયથી હવે વિધાનસભ્યો અને ત્રણેય પક્ષના મહત્ત્વના નેતાઓની આગળ-પાછળ પોલીસની ગાડીઓ રહેતી હતી એને બદલે હવે એક પોલીસ જ તહેનાત રહેશે.
રાજ્યના VIPઓની સુરક્ષાવ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં જે નેતાઓને જીવનું જોખમ ન હોય તેમની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાયુતિના મહત્ત્વના નેતાઓમાં BJPના રવીન્દ્ર ચવાણ અને પ્રતાપ ચિખલીકર સહિતના નેતાઓની સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સરકારના સિક્યૉરિટીમાં ઘટાડો કરવાના નિર્ણયથી શિંદેસેનાના વિધાનસભ્યો અને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારે જોખમને ધ્યાનમાં રાખીને તેમની સાથેના તમામ વિધાનસભ્યો અને વરિષ્ઠ નેતાઓને Y કૅટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. એ સમયે સરકારના આ નિર્ણયનો વિરોધ પક્ષોએ વાંધો લઈને ટીકા કરી હતી. આમ છતાં શિંદેસેનાના નેતાઓની સિક્યૉરિટી કાયમ રાખવામાં આવી હતી. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સિક્યૉરિટીમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
મહાયુતિમાં કોલ્ડ વૉર ચાલુ છે ત્યારે એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાનની જેમ મેડિકલ સહાય કેન્દ્ર શરૂ કર્યું
જોકે તેઓ ફન્ડ નહીં આપે, પણ જરૂરિયાતમંદ દરદીઓને જે પણ મદદની જરૂર હશે એ પૂરી પાડશે
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે પાલક પ્રધાનની નિયુક્તિ બાબતે ટેન્શન ચાલી રહ્યું છે ત્યારે એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાનનો રિલીફ ફન્ડ સેલ અસ્તિત્વમાં હોવા છતાં મંત્રાલયમાં ગઈ કાલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મેડિકલ એઇડ સેલ શરૂ કરીને એના ચીફ તરીકે તેમની નજીકના મંગેશ ચીવટેની નિયુક્તિ કરી છે જે રાજ્યની હેલ્થ મિનિસ્ટ્રી સાથે મળીને કામ કરશે.
મંગેશ ચીવટેએ કહ્યું હતું કે ‘એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે મેં તેમની સાથે મુખ્ય પ્રધાન રિલીફ ફન્ડનું કામ કરીને અનેક લોકોને મદદ કરી હતી. હવે ફરી હું એ જ કામ કરીશ. જોકે આ વખતે અમે કોઈ ફન્ડ નહીં આપી શકીએ, પણ જરૂરિયાતમંદ દરદીઓને જે પણ સહકાર જોઈએ એ આપીશું. આ પાછળની અમારી ભાવના મહાત્મા ફુલે જન આરોગ્ય યોજનાનો વ્યાપ વધારીને એને વધુ સારી રીતે અમલમાં મૂકવાની છે. આ સિવાય અમે લોકોને ચૅરિટેબલ હૉસ્પિટલની યોજના, નૅશનલ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ અને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવવા માટે સહાયતા કરીશું.’
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે મંગેશ ચીવટેએ મુખ્ય પ્રધાનના
રિલીફ ફન્ડ સેલના માધ્યમથી ૩૨,૦૦૦ દરદીઓને સર્જરી, ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને સ્પેશ્યલાઇઝ્ડ ટ્રીટમેન્ટ કરાવવા માટે ૨૬૭.૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

