Maharashtra Weather: વેધર રિપોર્ટ્સ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા અર્નબ વાવાઝોડાની અસર છેક મહારાષ્ટ્ર પર પણ જોવા મળી શકે છે. રાજ્યના અનેક વિસ્તારમાં ઝડપી ગતિએ પવનો ફૂંકાવાની સાથે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી શકે છે
પ્રતીકાત્મક તસવીર
આકરા ઉકળાટથી મુંબઇકર્સને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વેધર રિપોર્ટ્સ (Maharashtra Weather) પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા અર્નબ વાવાઝોડાની અસર છેક મહારાષ્ટ્ર પર પણ જોવા મળી શકે છે. રાજ્યના અનેક વિસ્તારમાં ઝડપી ગતિએ પવનો ફૂંકાવાની સાથે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી શકે છે. વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા આગાહી કરાઇ છે કે વિદર્ભ સહિતના કેટલાક જિલ્લાઓમાં કલાકના ૩૦થી ૫૦ કિમીની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
આજે કોંકણથી લઈને વિદર્ભ સુધીના અમુક જિલ્લાઓમાં વરસાદની અલર્ટ (Maharashtra Weather) સુદ્ધાં જારી કરવામાં આવી છે. અર્નબને કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધ્યું હોઇ આવતા બે દિવસ સુધી રાજ્યના અમુક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
મુંબઈ, પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં હળવા વરસાદી ઝાપટાં થઈ શકે છે. રાયગઢ અને રત્નાગિરીમાં પ્રતિ કલાક ૩૦થી ૪૦ કિમીની સ્પીડ સાથે પવન ફૂંકાવાનાં અને વીજકડાકા થવાનાં એંધાણ હોઇ યલો અલર્ટ આપીને લોકોને સાબદા કરાયા છે.
Maharashtra Weather: ધૂળે, નંદુરબાર, નાસિક અને નાસિક ઘાટ વિસ્તાર તેમ જ જલગાંવમાં વરસાદનની યલો અલર્ટ છે. પુણે, અહમદનગર (અહલ્યાનગર), કોલ્હાપુર, સાંગલી અને સોલાપુરમાં હળવા વરસાદી ઝાપટાં થાય તેવી શક્યતા છે. છત્રપતિ સંભાજીનગર, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર અને ધારાશિવમાં પણ છૂટાછવાયા સ્થળે વરસાદનો વરતારો વીલત કરાયો છે. વેધર વિભાગે જાલના, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, ગોંદિયા અને નાગપુરને યલો અલર્ટ હેઠળ મૂક્યા છે. તો વિદર્ભનો કેટકોક ભાગ કોરોધાકોર રહે તેવી પણ શક્યતા છે.
અર્નબ વાવાઝોડાની સ્થિતિને લઈને શું છે લેટેસ્ટ અપડેટ્સ
અર્નબ વાવાઝોડાની સ્થિતિને લઈને પ્રાપ્ત અપડેટ્સ પ્રમાણે તે અંદમાનના વિજયપુરમથી ૬૨૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમ, ગોપાલપુરથી ૫૮૦ કિલોમીટર અને વિશાખાપટ્ટનમથી ૬૧૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સક્રિય હતું. આ તોફાની ચક્રવાતની ભયાવહતાને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સ્કૂલમાં હોલિડે ડિક્લેર કરવામાં આવ્યો છે. અહેવાલો કહી રહ્યા છે કે ભલે આ ચક્રવાતનું જોર ધીમે ધીમે ઓસરી રહ્યું હોય પણ આવનાર બેથી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રના વાતાવરણમાં (Maharashtra Weather) ઠંડક પ્રસરશે. હાલ સુધી આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. આ સાથે જ આ ચક્રવાતી તોફાને પાક અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડ્યું છે. લેટેસ્ટ અપડેટ્સ પ્રમાણે ચક્રવાત અર્નબ બુધવારે મોડી રાત્રે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણાના નજીકના ભાગોમાં લો પ્રેશર સાથે નબળું પડતું નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એવો વરતારો આપ્યો છે કે આજ ગુરુવારે સવાર સુધીમાં ચક્રવાત હજી વધારે નબળું પડશે અને ડિપ્રેશનમાં ફેરવાશે. સાંજ સુધીમાં લો પ્રેશરવાળા વિસ્તારમાં ફેરવાઇ જાય એવી આગાહી છે.
