બજારનું માર્કેટકૅપ ૧૨.૮૭ લાખ કરોડ વધ્યું, એમાં જિયો પ્લૅટફૉર્મનો ફાળો ૧૩.૦૫ લાખ કરોડનો : રિલાયન્સ સાડાત્રણ ટકા બગડીને બજારને ૨૩૨ પૉઇન્ડ નડી, સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની : પરિણામની પૂર્વસંધ્યાએ હબટાઉન વૉલ્યુમ સાથે ૧૬ ટકાની તેજીમાં: ગાંધાર ઑઇલ રિફાઇનરીન.
પ્રતીકાત્મક તસવીર
અંધેરીની બૉમ્બે કોટેડ સ્પેશ્યલ સ્ટીલ્સનો નાનકડો ઇશ્યુ આજે
આજે, ગુરુવારે બે નવાં ભરણાં છે. મુંબઈના અંધેરી-વેસ્ટ ખાતેની બૉમ્બે કોટેડ સ્પેશ્યલ સ્ટીલ્સ ૧૦ના શૅરદીઠ ૮૨ની અપરબેન્ડમાં ૧૮૩ કરોડનો નાનકડો IPO મેઇન બોર્ડમાં લાવી રહી છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની સ્ટીલ કોઇલ્સને વૅલ્યુ-એડેડ પ્રોસેસ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરે છે. ગત વર્ષે ૨૦ ટકા વધારામાં ૧૨૭૦ કરોડની આવક ઉપર ૭ ટકા વૃદ્ધિદરથી ૩૦૫૪ લાખ નેટ નફો કર્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં કંપનીએ ૩૯૭ કરોડ આવક ઉપર ૧૫૦૮ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. દેવું ૨૭૪ કરોડ જેવું છે. ઇશ્યુમાંથી ૧૨૫ કરોડ દેવાની પરત ચુકવણીમાં તથા ૧૫૭૭ લાખ લીઝ ઉપર યંત્રસામગ્રી લેવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮થી શરૂ થઈ ઉપરમાં ૯ બતાવી હાલ ત્યાં જ ચાલે છે.
ADVERTISEMENT
SME સેગમેન્ટમાં રાજકોટની એન્ટાલા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૬૭ની અપરબેન્ડમાં કુલ ૨૩ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. QIB પોર્શન એકાદ ટકા હોવાથી રીટેલ પોર્શન ઇશ્યુમાં ૮૩.૫ ટકા અને HNI પોર્શન ૧૫.૫ ટકા નજીક છે. ૨૦૨૪માં સ્થપાયેલી આ કંપની ઇન્ડસ્ટ્રીઅલ તેમ જ કમર્શિયલ પૅકેજિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન, પ્રોસેસિંગ, પ્રિન્ટિંગ, લેમિનેશન ઇત્યાદી કરે છે. ગત વર્ષે ૪૯ ટકાના વધારામાં ૪૭૫૩ લાખની આવક ઉપર ૧૩૩ ટકાના વૃદ્ધિદરથી ૪૨૪ લાખ નેટ પ્રૉફિટ બતાવ્યા પછી ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં કંપનીએ ૩૦૨૦ લાખની આવક તથા ૪૧૯ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું પોણાબે કરોડ છે. ઇશ્યુમાંથી ૧૦૬૮ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૫૮૯ લાખ મશીનરી ખરીદવામાં વપરાશે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી.
સાઉદી અરેબિયાની અગ્રણી રિફાઇનરી ઉપર હુતીઝના નવા હુમલામાં બ્રેન્ટ ક્રૂડ ૧૧૬ ડૉલર બોલાયું છે. જોકે થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાના નજીવા ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર બુધવારે વધ્યાં છે. સાઉથ કોરિયા સવાછ ટકા, તાઇવાન બે ટકા, જપાન સવા ટકો, ચાઇના એકાદ ટકો પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસમાં દેખાતું હતું. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સમાં રાહત આવવાના ગબારા વચ્ચે ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૪૫ પૉઇન્ટના ઘટાડે ૭૩,૨૫૩ ખૂલી છેવટે ૩૫૨ પૉઇન્ટ ઘટી ૭૩,૨૪૬ તથા નિફ્ટી ૫૧ પૉઇન્ટની નરમાઈમાં ૨૨,૬૯૯ બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ નીચામાં ૭૨,૬૦૩ થયેલું બજાર પછીથી ઉપરમાં ૭૩,૫૨૫ દેખાયું હતું. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૩૧ શૅર સામે ૧૬૨૮ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ગઈ કાલે ૧૨.૮૭ લાખ કરોડ વધીને ૪૭૨.૬૩ લાખ કરોડ વટાવી ગયું છે. જિયો પ્લૅટફૉર્મના લિસ્ટિંગના કારણે નોંધાયેલા ૧૩.૦૫ લાખ કરોડના માર્કેટકૅપનો ફાળો એનાથીય મોટો હતો.
ઇજનેરી જાયન્ટ લાર્સને ૩૩ ટકાના વધારા સાથે ૫૨૦૨ કરોડ નેટ નફો મેળવી રજૂ કરેલા બહેતર રિઝલ્ટની અસરમાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૮૯૨ થઈ ૩.૭ ટકા વધી ૩૮૦૫ બંધમાં ઝળક્યો છે. બજારને એના લીધે ૧૩૩ પૉઇન્ટનો ફાયદો થયો છે. SBI લાઇફનો ત્રિમાસિક નફો ૧૧ ટકા વધી ૪૯૫ કરોડ આવતાં શૅર નિફ્ટી ખાતે બે ટકા વધી ૧૬૬૭ થયો છે. અપોલો હૉસ્પિટલ્સના પરિણામ ૪ નવેમ્બરે છે. શૅર ઉપર ૮૧૫૧ બતાવી ૪.૪ ટકા વધી ૮૧૩૭ નિફ્ટીમાં બંધ આવ્યો છે. અન્યમાં ઇન્ડિગો એક ટકો, ટ્રેન્ટ ૨.૮ ટકા, સ્ટેટ બૅન્ક સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, આઇશર ૧.૯ ટકા, BSE લિમિટેડ ૧.૩ ટકા પ્લસ થઈ છે. બજાર બંધ થવાના ટાંકણે આગલા દિવસે પરિણામ આપનારી મારુતિ સુઝુકી પોણો ટકો સુધરી ૧૧,૫૫૦ તો બજાજ ઑટો એક ટકો વધી ૧૦,૪૮૦ બંધ આવી છે. હિન્દુસ્તાન યુનિલીવરે ૬ ટકા વધારામાં ૧૭,૫૪૩ કરોડ આવક ઉપર ૬ ટકા વધારામાં ૨૮૪૪ કરોડ નેટ નફો દર્શાવી શૅરદીઠ ૧૯નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. વિશ્લેષકોની ધારણા ૨૭૭૭ કરોડના નામની હતી. શૅર ગઈ કાલે ઉપર ૧૮૬૧ થઈ બમણા કામકાજે ૦.૪ ટકા ઘટી ૧૮૧૩ થયો છે.
HDFC બૅન્ક ૬૬૯ નીચે ૬ વર્ષની નવી બૉટમ દેખાડી ૦.૯ ટકા સુધરી ૬૮૬ રહી છે. ITCના રિઝલ્ટ બીજી નવેમ્બરે છે. શૅર ૨૫૩ની અંદર સાડાચાર વર્ષની નીચી સપાટી બનાવી ૦.૪ ટકા ઘટી ૨૫૯ હતો. તાતા મોટર્સ પૅસેન્જર ૨૫૯ની સાડાત્રણ વર્ષની બૉટમ નોંધાવી પોણો ટકો સુધરી ૨૬૩ રહી છે. નેસ્લે ૧૧૪૮ની ૧૪ માસની સપાટીએ જઈ ૦.૭ ટકા ઘટી ૧૧૬૮ હતી. HDFC લાઇફ ૫૦૮નું સાડાત્રણ વર્ષનું તળિયું દેખાડી અડધો ટકો ઘટી ૫૧૪ રહી છે.
એક જ દિવસે ૪-૪ ડી-રેટિંગ જારી કરવાના પગલે ઇન્ફોસિસ નીચામાં ૧૧૦૩ થઈ ૩.૪ ટકા ખરડાઈ ૧૧૨૩ બંધમાં નિફ્ટીમાં ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સને એના કારણે ૧૧૫ પૉઇન્ટનો માર પડ્યો છે. TCS ૧.૭ ટકા, HCL ટેક્નૉલૉઝિસ ૧.૧ ટકા, ટેક મહિન્દ્ર ૧.૮ ટકા ઘટતાં એમાં બીજા કુલ ૬૮ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. IT ઇન્ડેક્સ ગઈ કાલે ૧.૮ ટકા ડૂલ થયો હતો. વિપ્રો દોઢ ટકો નરમ હતી. તાતા સ્ટીલના પરિણામની તારીખ ૨૭ ઑક્ટોબર હતી એ બદલી ૭ નવેમ્બર કરાઈ છે. શૅર ૧.૪ ટકા ઘટી ૧૬૯ હતો. ONGC ૨.૨ ટકા, બજાજ ફીનસર્વ સવા ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા, ભારતી ઍરટેલ ૧.૪ ટકા, એટર્નલ સવા ટકો ઘટી છે. એનર્જી ઇન્ડેક્સ ૨.૩ ટકા, ઑઇલ-ગૅસ ૨.૧ ટકા, ટેલિકૉમ ૨.૧ ટકા ડાઉન હતો. હબટાઉન પરિણામની પૂર્વસંધ્યાએ સાડાત્રણ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીમાં ૧૭૯ થઈ ૧૬ ટકા ઊછળી ૧૭૩ થઈ છે. ગાંધાર ઑઇલ રિફાઇનરીનો નફો ૪૦ કરોડથી વધી ૧૮૬ કરોડ થવા છતાં શૅર નીચે ૨૫૬ થઈ ૧૭.૩ ટકા લથડી ૨૬૦ બંધ રહ્યો છે.
જિયો પ્લૅટફૉર્મમાં ધારણાથી સારો, શૅરદીઠ ૨૯૮નો લિસ્ટિંગ ગેઇન છુટ્યો
રિલાયન્સની હવે ૬૪.૫ ટકા માલિકીની જિયો પ્લૅટફૉર્મ ૧૦ના શૅરદીઠ ૧૧૧૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૪૮થી શરૂ થઈ બહુધા ક્રમશઃ વધી ઉપરમાં ૨૭૩ થયા પછી છેલ્લે બોલાતા ૨૫૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૩૫૮ ખૂલી ઉપરમાં ૧૪૨૪ અને નીચામાં ૧૩૫૬ બતાવી ૧૪૧૭ બંધ રહેતાં ૨૬.૭ ટકા કે શૅરદીઠ ૨૯૮ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. NSEમાં ભાવ ૧૩૫૮ ખૂલી ઉપરમાં ૧૪૨૪ અને નીચામાં ૧૩૫૭ થઈ ૧૪૧૭ બંધ રહ્યો છે. કુલ ૩૦,૧૮૮ કરોડનું આ મહાકાય ભરણું QIBમાં ૬૭.૨ ગણું, HNIમાં ૧૪ ગણું, રીટેલમાં પોણાત્રણ ગણું એમ કુલ મળીને ૨૧.૪ ગણા જેવું છલકાયું હતું. લિસ્ટિંગની સાથે જ ૧૩,૦૫,૨૪૨ કરોડના માર્કેટકૅપ સાથે આ કંપની દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ છે.
જિયો પ્લૅટફૉર્મના ધારણાથી સારા લિસ્ટિંગ સામે એમાં ૬૪.૫ ટકા હિસ્સો ધરાવતી પેરન્ટ કંપની રિલાયન્સ માથે પરિણામ વચ્ચે પણ ગઈ કાલે નીચામાં ૧૧૫૬ થઈ સાડાત્રણ ટકા ગગડી ૧૧૫૮ બંધ આવી છે. રિઝલ્ટ ૩૦મીએ છે. રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓમાં જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસ ગઈ કાલે નીચામાં ૨૦૪ બતાવી ૦.૯ ટકા ઘટી ૨૦૫ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૬૭૦ના લેવલે ફ્લૅટ હતી, નેટવર્ક૧૮ પોણાબે ટકા વધી ૨૪, જસ્ટ ડાયલ અડધો ટકો નરમ, આલોક ઇન્ડસ્ટ્રીઝ સવા ટકા વધી ૮.૩૨, સ્ટર્લિંગ-વિલ્સન સવા ટકો વધી ૧૪૪, લોટસ ચૉકલેટ ૫૧૪ના લેવલે યથાવત, હૅથવે કૅબલ સાધારણ સુધારામાં ૯.૨૧, ડેન નેટવર્ક્સ સવા ટકો વધી પચીસ નજીક બંધ થઈ છે.
હરિયાણાના ગુરુગ્રામ ખાતેની પારસ હેલ્થકૅર એકના શૅરદીઠ ૬૯૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કટમાં ૮૩થી શરૂ થઈ ઉપર ૯૬ થયા બાદ ગગડી નીચામાં ૯ બતાવી છેલ્લે ચાલતા ૧૩ના પ્રીમિયમ સામે ૭૨૦ ખૂલી ઉપરમાં ૭૪૮ અને નીચામાં ૭૦૬ દેખાડી ૭૩૭ બંધ થતાં ૬.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન એમાં મળ્યો છે. ૧૪૫૦ કરોડનું આ ભરણું રીટેલમાં ૨.૧ ગણા સહિત કુલ ૨.૩ ગણું ભરાયું હતું.
બીજા દિવસના અંતે BLS પૉલિમર્સના IPOને ૩૨ ગણો રિસ્પૉન્સ
ગઈ કાલે જે ત્રણ ભરણાં ખુલ્યાં છે એમાં મેઇન બોર્ડમાં મુંબઈના બાંદરા-વેસ્ટની એમ.કે. સન્સ ફાઇન જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૬૨ની અપરબેન્ડમાં ૨૭૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં બાવીસ ટકા સહિત કુલ ૬૧ ટકા ભરાયો છે. પ્રીમિયમ સુધરીને અત્યારે ૧૨ બોલાય છે તો SME સેગમેન્ટમાં સુરતની આજવા પ્રોજેક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૩ના ભાવનો ૩૮ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૫૯ ટકા સહિત કુલ ૩૫ ટકા તેમ જ રાજકોટની કાર્વેર રોબોવેલ્ડનો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૨૮ કરોડનો BSE SME IPO રીટેલમાં ૨૦ ટકા સહિત કુલ પચીસ ટકા ભરાયો છે. હાલ આજવા પ્રોજેક્ટ્સમાં ગ્રેમાર્કેટ ખાતે ૩૮નું તથા કાર્વેર રોબોવેલ્ડમાં ઝીરો પ્રીમિયમ છે.
એડલવાઇસ ગ્રુપની ઇઆ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સનો પાંચના શૅરદીઠ ૧૬૬૫ના ભાવનો ૧૨૦૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે QIBમાં ૧૪ ગણો, HNIમાં પાંચેક ગણો તથા રીટેલમાં ૮૫ ટકા એમ કુલ ૫.૫ ગણો ભરાઈ પૂરો થયો છે. ૧૨૧થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડતું રહી નીચામાં ૧૦ થયા પછી હાલ ૧૮ જેવું બોલાય છે. ચાલુ ભરણામાં બીજા દિવસના અંતે નવી મુંબઈના વાશી ખાતેની SFS એન્વાયર્નમેન્ટલ ટેક્નૉલૉઝિસનો બેના શૅરદીઠ ૩૩૦ના ભાવનો ૬૬૮ કરોડનો ઇશ્યુ કુલ ૨૬ ટકા અને નવી દિલ્હીની BLS પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ના ભાવનો ૨૫૫ કરોડનો IPO કુલ ૩૨ ગણો ભરાયો છે. SME કંપની વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૦૪ના ભાવનો ૧૧૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૫ ટકા ભરાયો છે. હાલ SFCમાં ૧૫નું, BLS પૉલિમર્સમાં ૪૭નું અને વિસ્કોનમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે.
નફાના વસવસામાં AWL ઍગ્રી બિઝનેસ ઑલટાઇમ તળિયે
સ્ટીલ જાયન્ટ સેઇલ લિમિટેડે ૧૯.૮ ટકા વધારામાં ૩૧,૯૮૮ કરોડની આવક ઉપર ૩૧૮ ટકા વધારામાં ૧૭૭૪ કરોડ નેટ નફો મેળવ્યો છે, પરંતુ ભાવ બમણા કામકાજે ૧૬૧ જઈ ૫.૭ ટકા પીગળી ૧૬૨ રહ્યો છે. ફાર્મા કંપની FDC લિમિટેડે ૨૧ ટકા વધારામાં ૫૭૨ કરોડની આવક તથા ૭૩ ટકાના વધારામાં ૪૯ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપરમાં ૩૮૫ થઈ ૬.૭ ટકાની મજબૂતીમાં ૩૭૭ હતા. રેમન્ડ રિયલ્ટીની ત્રિમાસિક આવક સાડાસાત ટકા વધી ૭૪૯ કરોડ થઈ છે, પરંતુ નફો પોણાબાર ટકા ઘટી ૫૩ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૫૪૩ થઈ આઠેક ટકા ગગડી ૫૫૦ બંધ થયો છે. વેદાન્તા આયર્નની આવક બે ટકા ઘટીને ૨૭૮૮ કરોડ થઈ છે. નેટ લૉસ ૪૭૭ કરોડથી ઘટીને ૩૨૪ કરોડ રહી છે. જોકે શૅર પાંચ ટકાની મંદીની સર્કિટે ૨૭ની અંદર જઈ ત્યાં જ બંધ થયો છે.
અગાઉ અદાણી વિલ્મર તરીકે ઓળખાતી AWL ઍગ્રી બિઝનેસની આવક ૨૬ ટકા વધી ૨૨,૨૦૨ કરોડ થવા છતાં નફો અઢી ટકા ઘટી ૨૩૯ કરોડ આવતાં શૅર ૧૬૦ નીચે ઑલટાઇમ તળિયે જઈ ૬.૪ ટકા ગગડી ૧૬૫ રહ્યો છે. હનિવેલ ઑટોમેશનની આવક સાડાછ ટકા વધી ૧૨૨૪ કરોડ અને નફો પોણાબાર ટકા વધી ૧૩૪ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૨૯,૮૫૬ થઈને ૨.૭ ટકા કે ૮૩૭ રૂપિયા ખરડાઈ ૩૦,૬૮૨ હતો. સિયારામ સિલ્ક મિલ્સની આવક સવાપંદર ટકા વધીને ૮૧૪ કરોડ થઈ છે, નફો ૧૪ ટકા ઘટી ૭૪ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૪૬૫ થયા બાદ અઢી ટકા ઘટીને ૪૪૯ બંધ રહ્યો છે. કૉન્કોર્ડ બાયોટેકની ત્રિમાસિક આવક ૨૫ ટકા વધીને ૩૦૯ કરોડ થઈ છે. નફો સવાદસ ટકા વધી ૬૯૬૦ લાખ નોંધાયો છે. શૅર પાંચ ગણા કામકાજે નીચામાં ૧૨૬૩ બતાવી પોણાછ ટકા બગડી ૧૨૯૯ બંધ આવ્યો છે.
કારટ્રેડ ટેકનો નફો માત્ર ૨૦ લાખ ઘટ્યો, માર્કેટકૅપ ૧૭૩૯ કરોડ સાફ
પિરામલ ફાર્માની ત્રિમાસિક આવક ૨૮ ટકા વધી ૨૬૧૭ કરોડ થતાં કંપની ૯૯ કરોડની નેટ લૉસમાંથી સાડાપાંચ કરોડના નેટ નફામાં આવી છે. શૅર ૪૮ ગણા કામકાજે ૨૩૫ની બાવીસ માસની ટૉપ બનાવી ૧૭.૩ ટકા ઊછળી ૨૩૩ બંધ થઈ છે. કૅપ્રિ ગ્લોબલની આવક ૫૯ ટકા વધીને ૧૭૮૮ કરોડ તથા નફો ૭૭ ટકા વધીને ૪૧૮ કરોડ થયો છે. શૅર ઉપર ૨૪૨ વટાવી એક ટકો ઘટીને ૨૩૧ હતો. યુનાઇટેડ બ્રુઅરીઝે ૨૩.૬ ટકાના વૃદ્ધિદરથી ૨૫૩૭ કરોડની આવક ઉપર ૧૯૦ ટકાના વધારે ૧૩૫ કરોડ ચોખ્ખો નફો મેળવતાં ભાવ ૧૮૫ ગણા વૉલ્યુમે ઉપર ૧૩૧૬ થઈ પાંચકે ટકા ઝૂમીને ૧૨૦૦ બંધ આવ્યો છે. વારિ એનર્જીસની આવક ૨૪ ટકા જેવી વધીને ૭૫૧૮ કરોડ થવા છતાં નફો ૧૪.૭ ટકા ઘટીને ૭૧૯ કરોડ નોંધાયો છે. શૅર ૨૧૬૧ની ૧૯ મહિનાની બૉટમ બનાવી બાઉન્સબૅકમાં ૨૩૦૭ થઈ દોઢ ટકો ઘટી ૨૨૪૦ થયો છે.
સિટી યુનિયન બૅન્કે ૩૧ ટકા વધારામાં ૮૭૩ કરોડ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૨૬.૬ ટકા વૃદ્ધિદરથી ૪૧૬ કરોડ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. શૅર ૨૩૨ વટાવી સવા ટકો વધી ૨૧૬ થયો છે. આર.ઝેડ ગ્રુપની સ્ટાર હેલ્થ ઍન્ડ એલાઇડ ઇન્શ્યૉરન્સે ૧૫.૪ ટકા વધારામાં ૫૦૭૪ કરોડની આવક ઉપર ૨૩૩ ટકાના વૃદ્ધિદરથી ૨૬૫ કરોડ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે છતાં શૅર વીસેક ગણા કામકાજે નીચામાં ૫૦૩ બતાવી પાંચ ટકા ગગડી ૫૨૦ બંધ રહ્યો છે. અરવિંદ લિમિટેડે ૨૩ ટકા વધારામાં ૨૯૧૯ કરોડની આવક ઉપર ૪૪ ટકા વૃદ્ધિદરથી ૧૪૮ કરોડ નફો કર્યો છે. શૅર ૯ ગણા કામકાજમાં ઉપર ૫૩૮ થઈ બે ટકા ઊંચકાઈ ૫૧૧ હતો. કારટ્રેડની આવક સવાદસ ટકા વધી ૨૧૩ કરોડ થઈ છે, નફો નજીવો ઘટી ૫૯૫૦ લાખ નોંધાયો છે. એમાં ભાવ ૮ ગણા વૉલ્યુમે નીચમાં ૨૩૦૩ બતાવી ૧૨.૭ ટકા લથડીને ૨૪૬૩ થયો છે, તાતા કૅપિટલે ૫૧ ટકા વૃદ્ધિદરથી ૧૬૬૦ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. શૅર ઉપર ૩૧૫ વટાવી પોણાત્રણ ટકા વધીને ૩૦૯ બંધ થયો છે.
