વિવાએ છેલ્લાં સાત વર્ષથી મોટી બહેન સાથે મળીને ક્લાસિસ કરાવીને પોતાના અભ્યાસ અને એક્સ્ટ્રા ક્લાસિસનો ખર્ચો ઉપાડી લીધો હતો
વિવા ગાલા
થાણેમાં રહેતી અને SES સ્કૂલમાં ભણેલી વિવા ગાલાએ ૫૦૦માંથી બેસ્ટ ઑફ ફાઇવના આધારે ૪૮૫ માર્ક્સ સાથે ૯૭ ટકા મેળવ્યા છે. વિવા SSCના આખા વર્ષમાં પોતે તો ભણી જ હતી, પણ ૧૦૦ કરતાં વધારે બાળકોને તેની મોટી બહેન મહેર સાથે ચેસ અને ક્યુબ્સના ક્લાસિસ પણ કરાવ્યા હતા એમ જણાવતાં ગાર્મેન્ટ્સનો વ્યવસાય કરતા તેના પિતા જતીન ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારથી શુક્રવાર સુધી પોતાનો અભ્યાસ કરીને શનિવારે અને રવિવારે ૧૦૦ કરતાં વધારે બાળકોને તે ક્લાસિસ કરાવતી હતી. વિવાએ છેલ્લાં સાત વર્ષથી મોટી બહેન સાથે મળીને ક્લાસિસ કરાવીને પોતાના અભ્યાસ અને એક્સ્ટ્રા ક્લાસિસનો ખર્ચો ઉપાડી લીધો હતો. સોમવારથી શુક્રવાર દરમ્યાન પોતાના અભ્યાસ પર ધ્યાન આપીને રોજ દિવસમાં બેથી ત્રણ કલાક ભણવાનો ક્રમ બનાવ્યો હતો. છેલ્લા-છેલ્લા દિવસોમાં તેણે રોજના ભણવાના કલાકો વધારી દીધા હતા. તેણે પોતાના પર જબરદસ્ત આત્મવિશ્વાસ રાખ્યો હતો. કોઈ દિવસ અમારે સામેથી તેને અભ્યાસ માટે કહેવું પડ્યું નથી. SSC માટે તેણે ૯૮ ટકાની અપેક્ષા રાખી હતી. જોકે ગઈ કાલનું રિઝલ્ટ જોઈને તે ખુશ થઈ ગઈ હતી. આગળ જતાં તે સાયન્સ સ્ટ્રીમ લેવા માગતી હોવાથી તેણે NEET માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગળ જતાં તે ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે.’


