રાજ્ય સરકાર તરફથી વેપારીઓને APMC સેસમાં જે ઘટાડો કરી આપવામાં આવ્યો હતો એમાં અધિસૂચના બહાર પાડીને પહેલાં જેટલો જ કરી દેવામાં આવ્યો
એકનાથ શિંદે
મહારાષ્ટ્ર સરકારે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની ફીના ઘટાડામાં ચાર જ દિવસમાં પીછેહઠ કરતાં APMCના વેપારીઓનો હર્ષોલ્લાસ રોષમાં અને નારાજગીમાં પરિવર્તિત થઈ ગયો છે. વેપારીઓ કહે છે કે સરકારે ચૂંટણીની જાહેરાતના સમયે જ અચાનક APMC સેસમાં ૧૦૦ રૂપિયા ઉપર એક ટકામાંથી ૦.૨૫ પૈસાથી ૦.૫૦ પૈસાના કરવામાં આવેલા ઘટાડાને ગઈ કાલે ૦.૭૫ અને ૧૦૦ પૈસા કરીને વેપારીઓને મોટો ઝટકો આપ્યો છે.
આ બાબતની માહિતી આપતાં ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટસ અસોસિએશન (GROMA)ના પ્રમુખ ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં મહારાષ્ટ્ર સરકાર તરફથી વેપારીઓ પાસેથી એક ટકો APMC સેસ લેવાતો હતો. ચૂંટણીની જાહેરાત પહેલાં ૧૦ ઑક્ટોબરે મહારાષ્ટ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને આ સેસમાં ઘટાડો કરીને ૧૦૦ રૂપિયા ઉપર ૦.૨૫ પૈસાથી ૦.૫૦ પૈસા કર્યો હતો. એ જાહેરાતથી વેપારીઓમાં આનંદ પ્રસર્યો હતો, પરંતુ ગઈ કાલે આ આનંદ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો. ગઈ કાલે સરકારે નવી અધિસૂચનામાં ફરીથી જૂના સેસને લાગુ કર્યો હતો. એ મુજબ ૦.૨૫ અને ૦.૫૦ પૈસાને બદલે હવે ૦.૭૫ અને ૧૦૦ પૈસા કરી નાખવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
વેપારીઓ તરફથી લાંબા સમયથી આ બાબતે લડત ચલાવવામાં આવતી હતી એમ જણાવતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે, ‘આ પહેલાં ઑગસ્ટ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ દ્વારા વેપારીઓને લગતા લીગલ મેટ્રોલૉજી ઍક્ટમાં GST, APMC સેસ, રીડેવલપમેન્ટ જેવી અનેક સમસ્યાઓ બાબતે લડત શરૂ કરી હતી. એ સમયે વેપારીઓએ આ મુદ્દાઓ પર સરકાર નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો વેપાર બંધ કરવાની હાકલ કરી હતી, જેની સામે સરકારે આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ બાબતમાં વેપારીઓની ફેવરમાં નિર્ણય લેશે. જોકે ગઈ કાલે સરકારે નવી અધિસૂચનામાં જાહેરાત કરી હતી કે સેસ હવે પહેલાંની જેમ જ લેવાશે. આમ સરકાર તરફથી વેપારીઓને આપવામાં આવેલી રાહત લૉલીપૉપ સાબિત થઈ છે. સરકાર તરફથી આજ સુધી વેપારીઓને એક પણ બાબતમાં સહકાર મળ્યો નથી. હંમેશાં તેઓ તેમના તરફથી આપવામાં આવેલી રાહતોમાં પીછેહઠ જ કરી છે. સરકાર આવતા મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે એ જ સમયે તેમને આપેલા વચનમાંથી ફરી જઈને વેપારીઓની નારાજગી વહોરી લીધી છે. સરકારના ગઈ કાલના નિર્ણયથી વેપારીઓમાં ઘોર નિરાશા વ્યાપી છે.’