મહારાષ્ટ્ર સરકારની ખાતાંની વહેંચણીમાં નારાયણ રાણે અને નીતેશ રાણે તથા રામદાસ કદમ અને યોગેશ કદમનો મિનિસ્ટ્રી મળવામાં અજબ યોગાનુયોગ
નારાયણ રાણે (ઉપર ડાબે), નીતેશ રાણે (ઉપર જમણે), રામદાસ કદમ (નીચે ડાબે), યોગેશ કદમ (નીચે જમણે)
મહારાષ્ટ્ર સરકારમાં શનિવારે પ્રધાનોને ખાતાંની વહેંચણી કરવામાં આવી હતી. એમાં પિતા-પુત્રનો એક યોગાનુયોગ જોવા મળ્યો છે. ૨૯ વર્ષ પહેલાં બે પિતાને જે ખાતાં ફાળવવામાં આવ્યાં હતાં એ જ ખાતાં આ વખતની સરકારમાં સામેલ બે પ્રધાનોને ફાળવવામાં આવ્યાં છે. ત્રણ દાયકા પહેલાં શિવસેનાના નેતા નારાયણ રાણે અને રામદાસ કદમનો પહેલી વખત રાજ્યના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૯૫માં મુખ્ય પ્રધાન મનોહર જોશીની સરકારમાં કૅબિનેટ પ્રધાન નારાયણ રાણેને મત્સ્ય સંવર્ધન અને પોર્ટ્સ ખાતાની જવાબદારી આપવામાં આવી હતી તો રાજ્યકક્ષાના પ્રધાન રામદાસ કદમને ગૃહરાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
શનિવારે મહાયુતિની સરકારના પ્રધાનોને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નીતેશ રાણેને તેમના પિતા નારાયણ રાણેની જેમ જ મત્સ્ય સંવર્ધન અને પોર્ટ્સની જવાબદારી તો રામદાસ કદમના પુત્ર યોગેશ કદમને ગૃહરાજ્યપ્રધાનનું ખાતું ફાળવવામાં આવ્યું છે. આમ રાજ્યના પ્રધાનમંડળમાં ૨૯ વર્ષે પિતા-પુત્રને ખાતાંની ફાળવણીમાં યોગાનુયોગ થયો છે.