પૉલ્યુશન કન્ટ્રોલ કરવા વાહનો પરના એન્વાયર્નમેન્ટ ટૅક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ; ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર બીમારીઓની તપાસ માટે શિબિર યોજાશે; રાજ્યનાં પાંચ જ્યોતિર્લિંગને ટૂરિઝમ સ્પૉટ તરીકે વિકસાવવામાં આવશે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મહારાષ્ટ્ર બજેટ 2026માં થઈ આ મહત્વની જાહેરાતો...
બારામતી સહિત અન્ય નાનાં ઍરપોર્ટ્સ પર નાઇટ-લૅન્ડિંગની સુવિધા વધારવામાં આવશે
ADVERTISEMENT
રાજ્યના સ્વર્ગસ્થ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પ્લેનને ૨૮ જાન્યુઆરીએ અકસ્માત થયો હતો. બારામતી ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરતી વખતે પ્લેન ક્રૅશ થયું હતું અને અજિત પવાર સહિત પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ પછી તપાસ અહેવાલમાં બારામતી ઍરપોર્ટ સંબંધિત ઘણી ખામી મળી આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે બજેટમાં આ બારામતી ઍરપોર્ટ સાથે લાતુર અને અમરાવતી ઍરપોર્ટ માટે મોટી જાહેરાત કરી છે. લાતુર, બારામતી અને અમરાવતી ઍરપોર્ટ પર રાતે ફ્લાઇટ્સ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
ઍરપોર્ટ સંદર્ભની જાહેરાતો
લાતુર, બારામતી અને અમરાવતી ઍરપોર્ટ પર રાત્રિ ફ્લાઇટ્સ માટે સુવિધા
પુરંદર-પુણે ઍરપોર્ટ માટે વિશેષ સત્તા, જમીન-સંપાદન અંતિમ તબક્કામાં
ગડચિરોલી ઍરપોર્ટ માટે જમીન-સંપાદન
શિર્ડી, નાશિક, સંભાજીનગર, અમરાવતી, અકોલા, રત્નાગિરિ, યવતમાલ અને કરાડ ઍરપોર્ટને ડેવલપ કરવામાં આવશે
રાજ્યનાં પાંચ જ્યોતિર્લિંગને ટૂરિઝમ સ્પૉટ તરીકે વિકસાવવામાં આવશે
રાજ્યમાં હાલ ૧૬ કરોડ ટૂરિસ્ટ આવે છે. ૨૦૪૭ સુધીમાં આ આંકડો ૩૮ કરોડ ટૂરિસ્ટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. એ માટે ટ્રાવેલ અને ટૂરિઝમને ડિજિટલ બનાવવામાં આવશે. એ સિવાય કુલ ૧૨ જ્યોતિર્લિંગમાંથી પાંચ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલાં છે એટલે એ પાંચ જ્યોતિર્લિંગને ધાર્મિક પર્યટન-સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
પૉલ્યુશન કન્ટ્રોલ કરવા વાહનો પરના એન્વાયર્નમેન્ટ ટૅક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ
ભારત સ્ટાન્ડર્ડ (BS-IV) અને એનાથી ઉપરનાં પૉલ્યુશન નૉર્મ્સ ધરાવતાં જૂનાં વાહનો સ્ક્રૅપ કરીને નવાં વાહનો ખરીદવા પર મોટર વ્હીકલ ટૅક્સમાં ૧૬ ટકા છૂટ આપવામાં આવશે, જ્યારે BS-III અને એનાથી નીચેનાં ઉત્સર્જન ધોરણો ધરાવતાં જૂનાં વાહનોને સ્ક્રૅપ કરવા પર અને નવું વાહન ખરીદવા પર મોટર વ્હીકલ ટૅક્સમાં ૩૦ ટકા છૂટ આપવામાં આવશે. BS-IV અને એનાથી નીચેનાં ઉત્સર્જન ધોરણો ધરાવતાં નૉન-ટ્રાન્સપોર્ટ (પ્રાઇવેટ) વાહનો વધુ વાયુપ્રદૂષણનું કારણ બને છે તેથી એન્વાયર્નમેન્ટ ટૅક્સ બમણો કરવાનો પ્રસ્તાવ છે. રાજ્યએ BS-IV અને એનાથી નીચેનાં ઉત્સર્જન ધોરણો ધરાવતાં ખાનગી વાહનો પર પર્યાવરણ કરમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દરખાસ્ત મુજબ ટૂ-વ્હીલર પરનો એન્વાયર્નમેન્ટ ટૅક્સ ૨૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦૦૦ રૂપિયા કરવામાં આવશે. નૉન-ટ્રાન્સપોર્ટ શ્રેણીમાં હળવાં મોટર વાહનો (પેટ્રોલ) માટે એન્વાયર્નમેન્ટ ટૅક્સ ૩૦૦૦ રૂપિયાથી વધારીને ૬૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે હળવાં મોટર વાહનો (ડીઝલ) માટે એ ૩૦૦૦ રૂપિયાથી વધારીને ૭૦૦૦ રૂપિયા કરવામાં આવશે. આ પગલાનો હેતુ જૂનાં, વધુ પ્રદૂષણ ફેલાવતાં વાહનોના ઉપયોગને સ્ક્રૅપ કરવાનો અને રાજ્યમાં પર્યાવરણ સુધારવાનો છે.
પારદર્શિતા અને જવાબદારી માટે તમામ પોલીસને ૩ વર્ષમાં બૉડી-વૉર્ન કૅમેરા મળશે
પોલીસને આધુનિક બનાવવાના પગલામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે આગામી ૩ વર્ષમાં પોલીસને બૉડી-વૉર્ન કૅમેરાથી સજ્જ કરવામાં આવશે. રાજ્યના બજેટ ૨૦૨૬-’૨૭માં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘ટેક્નૉલૉજિકલ સુધારાને મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમાં ડિજિટલ ગવર્નન્સ, સાઇબર સુરક્ષા, પોલિસિંગ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને મજબૂત બનાવવાનાં પગલાંની જાહેરાત કરવામાં આવી છે. વિકસિત મહારાષ્ટ્ર ૨૦૪૭ પહેલ હેઠળ સ્માર્ટ પોલિસિંગ અને ન્યાય વિતરણ માટે પોલીસોને ૩ વર્ષમાં તબક્કાવાર બૉડી-વૉર્ન કૅમેરા પૂરા પાડવામાં આવશે. સુરક્ષા ક્ષેત્રમાં રાજ્ય ટેક્નૉલૉજી-આધારિત પોલિસિંગ સિસ્ટમ્સ અપનાવવાની યોજના ધરાવે છે, જેમાં પોલીસ-રેકૉર્ડનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન, સક્ષમ CCTV સિસ્ટમનું તહેનાતીકરણ, તમામ જિલ્લાઓમાં અદ્યતન સાઇબર ફૉરેન્સિક કેન્દ્રો અને માર્ગ-સલામતી સુધારવા માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (ITMS)નો ઉપયોગ સામેલ છે. ફૉરેન્સિક તપાસ-ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે તથા ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે ગુનાની તપાસ કરવા માટે રાજ્યમાં પાઇલટ ધોરણે ૨૧ મોબાઇલ ફૉરેન્સિક વાહનો તહેનાત કરવામાં આવ્યાં છે.’
ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર બીમારીઓની તપાસ માટે શિબિર યોજાશે
ગ્રામીણ વિસ્તારોમાં કૅન્સર, ડાયાબિટીઝ અને હૃદયરોગનું વહેલું નિદાન અને સારવાર શક્ય બનાવવા માટે એશિયન ડેવલપમેન્ટ બૅન્કના સહયોગથી પ્રગતિ યોજના હેઠળ વાર્ષિક આરોગ્ય
તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ પહેલ માટે ૪૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
૭ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૩૦૦ કરોડ વૃક્ષો વાવવાની યોજના, ફૉરેસ્ટ કવર ૩૩ ટકા સુધી વધારવામાં આવશે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બજેટ દરમ્યાન પર્યાવરણ માટે મહત્ત્વાકાંક્ષી પહેલની જાહેરાત કરી હતી. ફૉરેસ્ટ કવર વધારવા માટે આગામી ૭ વર્ષમાં ૩૦૦ કરોડ વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ફૉરેસ્ટ કવરને ૩૩ ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યારે આ કવર લગભગ ૨૧થી ૨૩ ટકા છે. નવા લક્ષ્ય તરફ આગળ વધવા માટે સરકારને ૨૨૫ કરોડ વૃક્ષો વાવવાની જરૂર પડશે. જોકે સરકારે આ અંદાજથી આગળ વધીને આગામી ૭ વર્ષમાં ૩૦૦ કરોડ વૃક્ષો રોપવાની મહત્ત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે.
માઇક્રો અને સ્મૉલ ઇન્ડસ્ટ્રિયલ કેન્દ્રો દરેક જિલ્લામાં સ્થાપિત કરવામાં આવશે
રાજ્યની નવી રોકાણનીતિ જાહેર કરવામાં આવી છે. દરેક જિલ્લામાં માઇક્રો અને સ્મૉલ ઇન્ડસ્ટ્રિયલ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે જેનાથી ૫૦ લાખ સીધી રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રી સૌર યોજના હેઠળ છત પર સોલર સ્થાપિત કરવામાં આવશે અને વાંસ વિકાસ પ્રોજેક્ટ્સ વધારવામાં આવશે.
રાજ્યમાં AI ડિરેક્ટરેટ સ્થાપવામાં આવશે
રાજ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને પ્રોત્સાહન આપવા AI ડિરેક્ટરેટ સ્થાપવામાં આવશે. એના અમલીકરણ અને એના પર નજર રાખવા અલગથી ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે.
૩૦,૦૦૦ ગામડાંને ગ્રામ સડક યોજના હેઠળ જોડવામાં આવ્યાં
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો ત્રીજો તબક્કો મંજૂર કરવામાં આવ્યો છે. ગ્રામ સડક યોજના હેઠળ ૩૦,૦૦૦ ગામડાંને જોડવામાં આવ્યાં છે. ૨૪૫૦ કિલોમીટર રસ્તાઓનું કામ પૂરું થયું છે અને ૨૩,૦૦૦ પુલનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
