શિંદેસેનાના ભરત ગોગાવલે અને સંજય શિરસાટે પોતે જ પાલક પ્રધાન બનશે એવો દાવો કર્યો
ભરત ગોગાવલે, સંજય શિરસાટ
મહારાષ્ટ્ર સરકારમાં શનિવારે લાંબી ખેંચતાણ બાદ પ્રધાનોનાં ખાતાંની ફાળવણી કરવામાં આવ્યા બાદ હવે પાલક પ્રધાન માટે રસ્સીખેંચ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા હજી સુધી પાલક પ્રધાનનો નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ અત્યારથી જ કેટલાક નેતાઓએ પોતે જ પાલક પ્રધાન છે એવો દાવો કર્યો છે. શિંદેસેનાના ભરત ગોગાવલે અને સંજય શિરસાટને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભરત ગોગાવલેએ રાયગડ તો સંજય શિરસાટે છત્રપતિ સંભાજીનગરના પાલક પ્રધાન પોતે જ રહેશે એવો દાવો કર્યો છે. આથી પ્રધાનોને ખાતાંની ફાળવણી કરવામાં આવ્યા બાદ હવે પાલક પ્રધાનપદ માટેની રસ્સીખેંચ શરૂ થઈ હોવાનું
જણાય છે.
રાજ્યના પર્યટનપ્રધાન અને શિંદેસેનાના નેતા શંભુરાજ દેસાઈએ ગઈ કાલે પાલક પ્રધાનપદ બાબતે કહ્યું હતું કે ‘શનિવારે જ પ્રધાનોને ખાતાંની વહેંચણી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં તેમને ખાતાં સોંપવામાં આવશે. શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું જે હવે પૂરું થયું છે. આથી બે દિવસ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મુંબઈ આવશે. તેઓ સાથે બેસીને ચર્ચા કરશે અને પાલક પ્રધાનનો નિર્ણય લઈને વહેંચણી કરવામાં આવશે.’
ADVERTISEMENT
થાણે અને કોંકણના પાલક પ્રધાનપદને લઈને પણ જોરદાર ખેંચતાણ હોવાનું કહેવાય છે