ઍરપોર્ટ પાસેની ફાઇવસ્ટાર હોટેલમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને રાજ ઠાકરેએ કરી ગુપ્ત મુલાકાત
દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે
મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસેની એક ફાઇવસ્ટાર હોટેલમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેનાના એકનાથ શિંદે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે વચ્ચે રવિવારે મોડી રાત્રે એક બેઠક થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની જેમ કેટલીક બેઠકો પર MNSના ઉમેદવારોને BJP અને શિવસેના દ્વારા કોઈ પણ શરત વિના સમર્થન આપવા વિશે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. MNS વરલી, શિવડી અને માહિમ બેઠક લડવા માગે છે એટલે અહીંના મરાઠી મતદારોની સાથે BJPના મતદારોનો પણ સાથ મળે એ માટેના પ્રયાસ રાજ ઠાકરે દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વરલી બેઠકમાં આદિત્ય ઠાકરે સામે રાજ ઠાકરે કોઈ ઉમેદવાર આપે છે કે કેમ એ હજી નક્કી નથી, પણ માહિમની બેઠકમાં અમિત ઠાકરેને MNS ઉતારે તો એકનાથ શિંદે અહીંના વિધાનસભ્ય સદા સરવણકરને બીજે ઍડ્જસ્ટ કરે એવી શક્યતા છે. મહાયુતિ અને MNSમાં સમજૂતી થશે તો એનો ફટકો ઉદ્ધવ ઠાકરેને પડી શકે છે.