એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને તેનો જપ્ત કરાયેલો પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો
સલિલ દેશમુખ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના પુત્રને પાસપોર્ટના રિન્યુઅલ માટે અરજી કરવાની મંજૂરી આપતી વખતે વિશેષ અદાલતે કહ્યું હતું કે પાસપોર્ટ રિન્યુઅલ નકારવા માટે માત્ર મની લૉન્ડરિંગના આરોપની કાર્યવાહી પૂરતી નથી. સ્પેશ્યલ જજ આર. એન. રોકડેએ બુધવારે સલિલ દેશમુખ દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપી હતી, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને તેનો જપ્ત કરાયેલો પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જેથી તે રિન્યુઅલ માટે અરજી કરી શકે. અગાઉ ઈડીએ સલિલ દેશમુખ, તેના પિતા રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને કેટલાક અન્ય લોકો પર મની લૉન્ડરિંગનો આરોપ મૂક્યો હતો. જોકે ઈડીએ આ કેસમાં સલિલ દેશમુખની ધરપકડ કરી નહોતી. એજન્સીએ તેને તેની ચાર્જશીટમાં આરોપી તરીકે નામ આપ્યા પછી સલિલ દેશમુખ વિશેષ અદાલતમાં હાજર થયો હતો. કોર્ટે તેને નવેમ્બર ૨૦૨૨માં જામીન પણ આપી દીધા હતા. તેની અરજીમાં સલિલ દેશમુખે જણાવ્યું હતું કે તેનો પાસપોર્ટ જાન્યુઆરી ૨૦૨૨માં સમાપ્ત થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે ૧૦ વર્ષના સમયગાળા માટે પાસપોર્ટના રિન્યુઅલ માટે અરજી કરવાની પરવાનગી માગી હતી.

