વરલી નાકાના ગણપતરાવ કદમ માર્ગ પર આવેલી સૂરજ વલ્લભદાસ ચાલમાં એ સ્ટૉક રાખવામાં આવ્યો હતો
રૅશનિંગ-ઑફિસરોએ વરલીમાં બ્લૅકમાં વેચાઈ રહેલાં ગૅસ-સિલિન્ડરનો જથ્થો પકડી પાડ્યો હતો
વરલીમાં ઘરમાં વપરાતાં અને કમર્શિયલ ગૅસ-સિલિન્ડર બ્લૅક-માર્કેટમાં વેચાઈ રહ્યાં હોવાની માહિતી મળતાં રૅશનિંગ ડિપાર્ટમેન્ટે રેઇડ પાડી ગૅસ-સિલિન્ડરનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.
રેસિડેન્શ્યલ વિસ્તારમાં ગૅસ-સિલિન્ડરનો સ્ટૉક કરીને એનાં કાળબજાર કરવામાં આવી રહ્યાં હતાં. વરલી નાકાના ગણપતરાવ કદમ માર્ગ પર આવેલી સૂરજ વલ્લભદાસ ચાલમાં એ સ્ટૉક રાખવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) કંપનીના પાંચ કિલોનાં ૬ ભરેલાં અને ૫૮ ખાલી સિલિન્ડર મળી આવ્યાં હતાં. એ જ રાતે સુપર ગૅસ કંપનીનાં ૪ કિલોનાં ૬૪ ભરેલાં અને ૧૨ કિલોનાં ૧૯ ભરેલાં સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં હતાં. એ સિવાય બીજાં ૧૨ અને ૪ કિલોનાં કુલ પચીસ ખાલી સિલિન્ડર પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ બધાં જ સિલિન્ડર ગેરકાયદે રીફિલ કરીને બ્લૅક-માર્કેટમાં વેચવા માટે લાવવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આ કાર્યવાહી રૅશનિંગ-ઑફિસર ચંદ્રકાન્ત ડાંગેના વડપણ હેઠળ કરવામાં આવી હતી. ગૅસ-સિલિન્ડરનું બ્લૅક-માર્કેટિંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ૨૪ કલાક રૅશનિંગ ડિપાર્ટમેન્ટની ટીમ સતર્ક છે એવી ચીમકી પ્રશાસને આપી હતી.
