Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડૉક્ટરોના ૨૪ કલાકના બંધમાં મુંબઈમાં શાંતિપૂર્વક દેખાવો

ડૉક્ટરોના ૨૪ કલાકના બંધમાં મુંબઈમાં શાંતિપૂર્વક દેખાવો

18 August, 2024 06:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનનો બંધ સમાપ્ત, મહારાષ્ટ્રના ડૉક્ટરોનું આંદોલન ચાલુ જ રહેશે

ગઈ કાલે જે. જે. હૉસ્પિટલમાં વિરોધ-પ્રદર્શન કરતા ડૉક્ટરો. તસવીર : સૈયદ સમીર અબેદી

ગઈ કાલે જે. જે. હૉસ્પિટલમાં વિરોધ-પ્રદર્શન કરતા ડૉક્ટરો. તસવીર : સૈયદ સમીર અબેદી


કલકત્તામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યાર બાદ કરાયેલી હત્યાને કારણે ડૉક્ટરોમાં ઉગ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. દેશભરના ડૉક્ટરોના ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) દ્વારા ગઈ કાલે ૨૪ કલાકનો બંધ પોકારાયો હતો જે સફળ રહ્યો હતો. મુંબઈની પણ સરકારી સહિત ખાનગી હૉસ્પિટલોમાં પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરોએ એમાં સાથ આપ્યો હતો. આ બંધ આજે સવારે છ વાગ્યે પૂરો થઈ ગયો હતો, પણ મહારાષ્ટ્ર અસોસિએશન ઑૅફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)નું આંદોલન ચાલુ જ રહેશે.  


MARDના અધ્યક્ષ ડૉક્ટર પ્રતીક દાબજેએ આ સંદર્ભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બંધ સફળ રહ્યો હતો. મહારાષ્ટ્રભરની સરકારી હૉસ્પિટલોના ૧૬,૦૦૦થી ૧૭,૦૦૦ ડૉક્ટરો એમાં જોડાયા હતા. મુંબઈમાં ડૉક્ટરોએ શાંતિપૂર્વક પોતપોતાની હૉસ્પિટલના કૅમ્પસની અંદર જ દેખાવો કર્યા હતા. એ સિવાય ડૉક્ટરો દ્વારા બહાર ક્યાંય કોઈ પ્રદર્શન કે રૅલીનું આયોજન કરવામાં આવ્યું નહોતું; જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ, પુણે અને અન્ય શહેરોમાં રૅલી અને મોરચા કાઢવામાં આવ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં ડૉક્ટરો સહિત સ્થાનિક જનતા પણ જોડાઈ હતી. IMAનો ૨૪ કલાકનો બંધ પૂરો થયો છે, પણ અમારો બંધ ચાલુ રહેશે. જ્યાં સુધી આ કેસની વિક્ટિમને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી આરોગ્યસેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડતા સેન્ટ્રલ હેલ્થકૅર પ્રોટેક્શન ઍક્ટમાં સુધારા કરીને ફેરફાર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. ગઈ કાલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) બંધ હતો અને જે પહેલેથી પ્લાન હતી એ સર્જરીઓ પણ રોકી દેવામાં આવી હતી અને પોસ્ટપોન કરાઈ હતી. જોકે એમ છતાં સ્ટ્રાઇકને કારણે કોઈ અઘટિત ઘટના નહોતી બની. સારવારના અભાવે કોઈનું મૃત્યુ થયું હોય એવુ નહોતું બન્યું. ઇમર્જન્સી સેવાઓ ચાલુ હતી.’      



સરકારી હૉસ્પિટલોમાં ગઈ કાલે બંધને કારણે OPD બંધ રહ્યો હતો જેની કેટલાક ગરીબ વર્ગના લોકોને જાણ ન હોવાથી તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા, પણ OPD બંધ જોઈને પાછા ફરવું પડ્યું હતું. 


વિઝિટર્સને પણ બ્લૅક પટ્ટી લગાડવામાં આવી


મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં પણ ગઈ કાલે ડૉક્ટરો દ્વારા શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓ હૉસ્પિટલમાં દરદીઓને મળવા આવતા પરિવારજનો કે સંબંધીઓને પણ હાથ પર બ્લૅક પટ્ટી બાંધીને તેમના આ વિરોધ-પ્રદર્શનમાં સહકાર આપવા કહેતા હતા અને મોટા ભાગના સંબંધીઓ એ માટે તૈયાર થતા હતા. જાણીતા ડેવલપર, CREDAI-MCHI થાણેના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાને ગઈ કાલે આ હૉસ્પિટલમાં આવો અનુભવ થયો હતો

સુધરાઈએ મુંબઈ બહારની હૉસ્પિટલોમાંથી ડૉક્ટરો બોલાવ્યા
આરોગ્યસેવા સાવ જ ભાંગી ન પડે એટલા માટે સુધરાઈએ એના મુંબઈ બહારનાં સરકારી દવાખાનાંમાં સેવા આપતા ૨૦૦ જેટલા ડૉક્ટરોને બોલાવ્યા હતા. ​કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલમાં ૪૩, લોકમાન્ય તિલક હૉસ્પિટલ – સાયન હૉસ્પિટલમાં ૪૧, કૂપરમાં ૪૫ અને નાયર હૉસ્પિટલમાં ૪૫ ડૉક્ટરોએ સેવા આપી હતી.      

મુંબઈગરાઓ દ્વારા ઘટનાને વખોડવા વિરોધ-પ્રદર્શન  
કલકત્તાની એ ઘટનાનો માત્ર ડૉક્ટરો જ વિરોધ કરી રહ્યા છે એવું નથી, સામાન્ય મુંબઈગરાઓ પણ આ ઘટનાને વખોડી રહ્યા છે. ઠેર-ઠેર રૅલીઓ નીકળી રહી છે અને લોકો એ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગણી કરી રહ્યા છે. ગઈ કાલે દાદર સ્ટેશન પર પણ વિરોધ-પ્રદર્શનમાં લોકો જોડાયા હતા, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામા હાજર રહી હતી. એ સાથે જ થાણે, ભિવંડી અને નવી મુંબઈમાં પણ રૅલીઓ નીકળી હતી અને વિરોધ-પ્રદર્શનો થયાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2024 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK