Kalina Stampede: એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ દ્વારા 2216 હેન્ડીમેન માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવામાં આવનાર હતા તેની માટે સહુ ઉમેદવારો આવ્યા હતા.
ઉમેદવારોની હકડેઠઠ મેદની
કી હાઇલાઇટ્સ
- કેટલાક લોકો તો આ સેન્ટર સુધી વહેલી તકે પહોંચવા માટે વાહનો અને ઝાડ પર ચડ્યાં
- અહીં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી
- લગભગ 15,000 લોકો અહીં અરજી ફોર્મ સબમિટ કરવા આવ્યા હતા
મુંબઈના કાલીના વિસ્તારમાં ભાગદોડ જેવી સ્થિતિ (Kalina Stampede) સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે કલીના વિસ્તારમાં આવેલી એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં મંગળવારે નોકરી અર્થે વોક-ઈન ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોની મેદની ઉમટી પડી હતી. આ ભીડને કારણે અહીં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વિડીયો પણ વાયરલ થયા છે.
ADVERTISEMENT
View this post on Instagram
ગઇકાલે થયેલી નાસભાગને દર્શાવતા વિડિયોઝ (Kalina Stampede) પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર વિડીયોમાં હજારો લોકોનું ટોળું ધસી આવતું જોવા મળી રહ્યું છે. તે સહુ ઉમેદવારો ઇન્ટરવ્યુ સેન્ટર તરફ ભાગતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તો આ સેન્ટર સુધી વહેલી તકે પહોંચવા માટે વાહનો અને ઝાડ પર સુદ્ધાં ચડતા જોઈ શકાય છે.
મર્યાદિત સંખ્યા હોવાને કારણે આ ભાગદોડ થઈ
એવી માહિતી સામે આવી રહી છે કે મર્યાદિત સંખ્યામાં ઓપનિંગ હોવાથી ભીડ ભરતીની કચેરીની બહાર એકઠી થઈ હતી. સહુ કોઈ પોતાને નોકરીની તક મળે એ માટે વહેલા અને પહેલા થવા માટે આગળ ધસતા જોવા મળ્યા હતા, પરિણામે અહીં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તમને જણાવી દઈએ કે સત્તાવાળાઓએ સંભવિત નાસભાગને રોકવા માટે દખલગીરી કરવી પડી હતી.
શેની માટે હતા વોક-ઇન-ઇંટરવ્યૂ
એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ દ્વારા 2216 હેન્ડીમેન માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવામાં આવનાર હતા. 28 જૂનના રોજ જારી કરાયેલ સૂચનામાં કંપનીએ જણાવ્યું હતું કે “AI એરપોર્ટ સર્વિસ લિમિટેડ તેની જરૂરિયાતો અનુસાર હાલની ખાલી જગ્યાઓ ભરવા માંગે છે. ભવિષ્ય માટે વેઇટિંગ લિસ્ટ પણ જાળવી રાખવા માંગે છે. ભારતીય નાગરિકો (પુરુષ અને સ્ત્રી) જે કંપનીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેઓ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિવિધ હોદ્દા માટે 3 વર્ષની કરાર આધારિત નોકરી માટે અરજી કરી શકે છે.`` આ જ પોસ્ટ માટે અરજી કરવા લોકો ટોળેટોળાં ઉમટી (Kalina Stampede) પડ્યા હતા,
ઉમેદવારોની લાયકાત અને પગાર ધોરણ કેટલા હતા?
આ જે ઉમેદવારોમાં નાસભાગ (Kalina Stampede) થઈ હતી તેઓ જે પોસ્ટ માટે અપલાય કરવા આવ્યા હતા તેઓ માટે મિનિમમ લાયકાત દસમું પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો.
યુનિયનનું કહેવું છે કે 50,000 અરજદારો અહીં આવ્યા હતા. ત્યારે AI એરપોર્ટ સર્વિસિસ લિમિટેડના CEO રામબાબુ ચિંતલાચેરુવુએ જણાવ્યું હતું કે "લગભગ 15,000 લોકો અહીં અરજી ફોર્મ સબમિટ કરવા આવ્યા હતા.
અંકલેશ્વરમાં પણ આ પહેલા આવું જ થયું હતું
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ અંકલેશ્વર ખાતે સર્જાઇ હતી. અહીં 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો ધસી આવ્યા હતા.