પાંચ વર્ષ જૂના બદનક્ષીના કેસમાં આખરે સમાધાન કરી લીધું
ઑલ ઇઝ વેલ : ગઈ કાલે સમાધાન પછી કંગના રનૌત અને જાવેદ અખ્તર.
જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પાંચ વર્ષ પહેલાં ઍક્ટરમાંથી સંસદસભ્ય બનેલી કંગના રનૌત પર કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટની બહાર સમાધાન કરી લીધું છે.
ગઈ કાલે કંગનાએ આની માહિતી આપવા પોતાનો જાવેદ અખ્તર સાથેનો ફોટો પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે લખ્યું હતું કે ‘જાવેદજી અને મેં અમારી લીગલ મૅટર (ડિફેમેશન કેસ)માં સમાધાન કરી લીધું છે. આ મધ્યસ્થીમાં જાવેદજી બહુ જ દયાળુ અને માયાળુ રહ્યા. તેમણે મારા ડિરેક્શન હેઠળની આગામી ફિલ્મમાં ગીત લખવાની પણ તૈયારી બતાવી છે.’
ADVERTISEMENT
ગઈ કાલે કંગના અને જાવેદ અખ્તર બાંદરા કોર્ટમાં જોવા મળ્યાં હતાં. કંગના કોર્ટમાં હાજર ન રહેતી હોવાથી થોડા સમય પહેલાં કોર્ટે તેને બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કરવા પહેલાં લાસ્ટ ચાન્સ આપ્યો હતો.
કંગનાએ કોર્ટમાં નોંધાવેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારા કારણે તેમને (જાવેદ અખ્તરને) જે અસુવિધા થઈ એ બદલ હું માફી માગું છું. જાવેદ અખ્તરે આ સંદર્ભમાં કહ્યું હતું કે કંગનાએ માફી માગી લીધી છે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઈશ અને તે પણ કેસ પાછો ખેંચી લેશે.
૨૦૧૬માં કંગના અને હૃતિક રોશન વચ્ચે થયેલા વિવાદ બાદ જાવેદ અખ્તરના રોશનફૅમિલી સાથે નિકટના સંબંધ હોવાથી તેમણે બન્ને વચ્ચે મીટિંગ ગોઠવી હતી અને કંગનાને હૃતિકની માફી માગવા કહ્યું હોવાનું કહેવાય છે. આ વાતનો ખુલાસો કંગનાએ ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી ત્યાર બાદ કર્યો હતો. જોકે જાવેદ અખ્તરને કંગનાની આ વાત બદનક્ષીભરી લાગતાં તેમણે કેસ દાખલ કર્યો હતો. એ સમયે કંગનાએ પણ જાવેદ અખ્તર સામે હૃતિકની માફી માગવા માટે દબાણ કરવાની ફરિયાદ કરી હતી. ગયા વર્ષે બન્ને પાર્ટી આ કેસમાં મધ્યસ્થી માટે તૈયાર થઈ નહોતી.

