શિવરી અને ન્હાવા-શેવાને જોડતી મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પર સ્પૉટ સ્પીડ કૅમેરા અને સેક્શન કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવશે
ફાઇલ તસવીર
શિવરી અને ન્હાવા-શેવાને જોડતો ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ આવનારા કેટલાક મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાશે ત્યારે મુંબઈ મેટ્રો રીજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા આ બ્રિજ પર સુરક્ષાના ભાગરૂપે એક નોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે. એમએમઆરડીએ દ્વારા સ્પીડસ્ટર પર લગામ લગાવવા માટે ૨૨ કિલોમીટરના બ્રિજ પર ચોક્કસ સ્થળે કટિંગ-એડ્જ કૅમેરા મૂકવામાં આવશે. મેટ્રોપૉલિટન કમિશનર ડૉ. સંજય મુખરજીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (એમટીએચએલ) પર હાઈ-ઍન્ડ સેક્શન અને સ્પૉટ સ્પીડ એન્ફોર્સમેન્ટ સિસ્ટમ મુકાશે. એમટીએચએલ પર ૧૨ સેક્શન સ્પીડ કૅમેરા અને ૨૮ સ્પૉટ સ્પીડ કૅમેરા હશે. આનો મોટો લાભ એ હશે કે આ કૅમેરા રસ્તો વાપરતા લોકોને સેફ પૅસેજ પૂરો પાડશે, જે ચોક્કસ મર્યાદામાં ઝડપી વાહનોને ડિટેક્ટ અને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ઝડપી વાહન હંકારવા પર દંડની કાર્યવાહીમાં પણ મદદ મળશે.’
એમએમઆરડીએને વિશ્વાસ છે કે આ ટેક્નૉલૉજી રોડ સેફ્ટીમાં વધારો કરશે, ટ્રાફિકનું ભારણ ઓછું કરશે અને અકસ્માત સહિતની ઘટનામાં ઘટાડો કરવામાં પણ મદદ કરશે. મહારાષ્ટ્ર બીજેપી દાવો કરે છે કે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક જે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ કહેવાય છે એ ૨૫ ડિસેમ્બરે લોકો માટે ખુલ્લો મુકાવાનો છે, પણ સરકારી એજન્સી કહે છે કે ૯૭ ટકા કામ થયું હોવાથી બાકીનું કામ સમયસર થઈ શકે એમ નથી.


