Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લિજેન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કર રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ સાથે જોડાયા

લિજેન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કર રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ સાથે જોડાયા

Published : 08 June, 2026 09:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવજાત શિશુઓ અને બાળકોમાં જન્મજાત હૃદયની ખામી એ ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. ભારતમાં દર વર્ષે બે લાખથી વધુ બાળકો આવી હૃદયની ખામી સાથે જન્મે છે, જેમાંથી લગભગ ૭૦,૦૦૦ બાળકોને જન્મના પહેલા જ વર્ષમાં સર્જરીની તાતી જરૂર હોય છે.

લિજેન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કર વંચિત બાળકો માટે 850 લાઈફ સેવિંગ હાર્ટ સર્જરીની ઉજવણી કરવા માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ સાથે  જોડાયા

લિજેન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કર વંચિત બાળકો માટે 850 લાઈફ સેવિંગ હાર્ટ સર્જરીની ઉજવણી કરવા માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ સાથે જોડાયા


ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટના ‘ગિફ્ટ ઓફ લાઈફ’ અભિયાન હેઠળ હાર્ટની ફ્રી સર્જરી મેળવનારા આશરે ૮૫૦ વંચિત બાળકોના સન્માનમાં આયોજિત એક અત્યંત ભાવુક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ખાસ ઉજવણી જુહુ તારા રોડ, જુહુ, મુંબઈ ખાતે આવેલા રોટરી સર્વિસ સેન્ટરમાં રાખવામાં આવી હતી, જ્યારે આ તમામ માસૂમ બાળકોના હૃદયની જટિલ સર્જરી ‘શ્રી સત્ય સાઈ સંજીવની સેન્ટર ફોર ચાઇલ્ડ હાર્ટ કેર’ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ‘ગિફ્ટ ઓફ લાઈફ’ પ્રોજેક્ટના ચેરમેન પીપી નીતિન મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ અભિયાને છેલ્લા છ વર્ષમાં જન્મજાત હૃદયની ખામી ધરાવતા બાળકોની જીવનરક્ષક સર્જરીઓ માટે અંદાજે ₹૧૨ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. હાલનો પ્રોજેક્ટ કુલ ૩.૫ કરોડ રૂપિયાનો છે, જેનો મુખ્ય હેતુ ગંભીર હૃદય રોગથી પીડાતા આશરે ૨૫૦ બાળકોને જટિલ શસ્ત્રક્રિયા અને તબીબી સહાય પૂરી પાડીને નવજીવન આપવાનો છે.

ગાવસ્કરે શું કહ્યું?



આ કાર્યક્રમ દરમિયાન સુનિલ ગાવસ્કરે આ નાનકડા બાળકો અને તેમના પરિવારો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. સમયસર મળેલી તબીબી સારવારને કારણે જેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે, તેવા બાળ સર્વાઈવર્સ સાથે તેમણે લાગણીસભર ક્ષણો વિતાવી હતી. આ પ્રસંગે માત્ર તબીબી ક્ષેત્રની સફળતા જ નહીં, પરંતુ માનવતા, કરુણા અને સામૂહિક પ્રયાસોની તાકાતનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે પોતાના મનની વાત શેર કરતા સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, “આ બહાદુર બાળકોને મળીને મારું હૃદય ભરાઈ આવ્યું છે. તેમની હિંમત અને આ હોસ્પિટલ તેમજ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવી રહેલું નિઃસ્વાર્થ કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે. સાચા અર્થમાં આ બાળકો અને સંસ્થાઓ જ અસલી હીરો છે. એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે માત્ર સાચા સમયે લેવાયેલા યોગ્ય પગલાં અને લોકોની ઉદારતાથી કેટલાય પરિવારોના જીવન બદલી શકાય છે.”


નવજાત શિશુઓ અને બાળકોમાં જન્મજાત હૃદયની ખામી એ ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. ભારતમાં દર વર્ષે બે લાખથી વધુ બાળકો આવી હૃદયની ખામી સાથે જન્મે છે, જેમાંથી લગભગ ૭૦,૦૦૦ બાળકોને જન્મના પહેલા જ વર્ષમાં સર્જરીની તાતી જરૂર હોય છે. જો કે, આર્થિક તંગી અને રોગના મોડા નિદાનને કારણે ઘણા ગરીબ પરિવારો સમયસર પોતાના બાળકની આ જરૂરી તબીબી સારવાર કરાવી શકતા નથી. રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટના ‘ગિફ્ટ ઓફ લાઈફ’ પ્રોજેક્ટના ચેરમેન પીપી નીતિન મહેતાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, “દરેક બાળકને સ્વસ્થ હૃદય મેળવવાનો અને પોતાના સપના જીવવાનો પૂરો હક છે. અમારા ‘ગિફ્ટ ઓફ લાઈફ’ પ્રોજેક્ટના માધ્યમથી અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આર્થિક મજબૂરીના કારણે કોઈ પણ બાળક સારવારથી વંચિત ન રહી જાય. સર્જરી પછી જ્યારે અમે આ બાળકોના ચહેરા પર સ્મિત જોઈએ છીએ, ત્યારે અમને સંતોષ થાય છે કે અમે તેમને એક ઉજ્જવળ ભવિષ્ય આપવામાં નિમિત્ત બન્યા છીએ.”

શ્રી સત્ય સાઈ સંજીવની સેન્ટર ફોર ચાઇલ્ડ હાર્ટ કેરના પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ અને હેડ ડૉ. પ્રભાતા રશ્મિએ વહેલા નિદાન અને તાત્કાલિક સારવારના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, “જો જન્મજાત હૃદયની બીમારીની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. યોગ્ય સમયે કરવામાં આવેલી શસ્ત્રક્રિયા અને તબીબી સારવાર બાળકના જીવનની ગુણવત્તામાં સંપૂર્ણ સુધારો કરે છે અને તેમના જીવિત રહેવાની શક્યતાઓને ઘણી વધારે છે.” આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક રોટરી સંસ્થાઓએ સહયોગ આપ્યો છે, જેમાં રોટરી ક્લબ ઓફ બર્લિન ઇન્ટરનેશનલ, રોટરી ડિસ્ટ્રિક્ટ બર્લિન, રોટરી ક્લબ ઓફ દિલ્હી સાઉથ, રોટરી ડિસ્ટ્રિક્ટ દિલ્હી, રોટરી ક્લબ ઓફ મુંબઈ એલિગન્ટ, રોટરી ક્લબ ઓફ એલિગન્ટ પ્લસ, રોટરી ક્લબ ઓફ બે વ્યુ, રોટરી ક્લબ ઓફ મુંબઈ કોસ્ટલાઈન, રોટરી ક્લબ ઓફ ઘાટકોપર ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ ફોર્ટ વેઈન (ઇન્ડિયાના, યુએસએ) અને રોટરી ઇન્ટરનેશનલના વર્લ્ડ ફંડ સપોર્ટનો સમાવેશ થાય છે. ‘ગિફ્ટ ઓફ લાઈફ’ અભિયાન આજે એ વાતનું જીવંત ઉદાહરણ બન્યું છે કે જો સાચી સંવેદના, પરસ્પર સહયોગ અને દ્રઢ સંકલ્પ હોય તોદેશભરના સેંકડો પરિવારોના ઘરમાં આશાનો દીવો પ્રગટાવી શકાય છે અને માસૂમોની દરેક ધડકનને બચાવી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 09:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK