ખંડોબા ટેકરી બચાવવા ઘાટકોપરના રહેવાસીઓનો પોલીસ સમક્ષ વિરોધ
બંધ ફાયરિંગ રેન્જ સામે વિરોધ નોંધાવી રહેલા ઘાટકોપરના રહેવાસીઓ (તસવીર: રાજેશ ગુપ્તા)
રાજ્ય જ્યાં ફાયરિંગ રેન્જ ઊભી કરવા ઇચ્છે છે એ ઘાટકોપર-વેસ્ટની ભટ્ટવાડીની ઉપર આવેલી ખંડોબા ટેકડી નામની ટેકરીને બચાવવા માટે ભટ્ટવાડી અને ઘાટકોપરના રહેવાસીઓએ મહારાષ્ટ્ર પોલીસ સામે વિરોધ નોંધાવ્યો છે. આ પ્રોજેક્ટને પગલે સેંકડો વૃક્ષો દૂર કરાયાં છે અને રહેવાસીઓએ બાંધકામથી પાણીના ધોધને નુકસાન પહોંચ્યું હોવાનો પણ દાવો કર્યો છે.
નાગરિકોના એક જૂથે રવિવારે સિગ્નેચર-કૅમ્પેન પણ આદર્યું હતું. ઘાટકોપર-વેસ્ટમાં આવેલી આ ટેકરી પર ભગવાન ખંડોબાનું પ્રાચીન મંદિર છે અને દુર્લભ પ્રજાતિનાં ૧૦૦૦ જેટલાં વૃક્ષો છે, જ્યાં રાજ્યનો પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) ફાયરિંગ રેન્જ બાંધી રહ્યો છે.
ADVERTISEMENT
દિનેશ દાનધરે નામના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ ટેકરી અમારાં ફેફસાં હોવાની સાથોસાથ ઘણાં સરિસૃપોનું રહેઠાણ છે. બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે એના ઘોંઘાટ અને ધ્રુજારીથી વિચલિત થઈને ઘણાં સરિસૃપ ટેકરીની નીચે આવેલી ભટ્ટવાડીમાં આવે એવી શક્યતા છે. અમને ચાલવા માટે પણ ટેકરી પર જવા દેવાતા નથી. ગાર્ડ્સ સ્થાનિક લોકોને ધમકાવે છે. અમે સ્થાનિક ડેપ્યુટી પોલીસ કમિશનરનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસે અમને નિર્વિઘ્ન પ્રવેશ આપવાની ખાતરી આપી હતી, પરંતુ વહેલી-મોડી અમારે માટે આ ટેકરી કાયમ માટે બંધ કરી દેવાય તો કહેવાય નહીં.’
સ્થાનિક ધારાસભ્ય રામ કદમે જણાવ્યું હતું કે ‘એક તરફ સરકાર પર્યાવરણની રક્ષક બનવાનો દાવો કરે છે અને બીજી તરફ એ ટેકરીનો નાશ કરી રહી છે. હું આ મુદ્દો મુખ્ય પ્રધાન પાસે લઈ જઈશ. જો તેઓ બાંધકામ નહીં અટકાવે તો મારી પાસે આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.’

