મેટ્રો અને સબર્બન રેલવેના ઇન્ટરચેન્જને કારણે દરરોજ ખતરનાક ભીડ સર્જાય છે, ડબલ કૅપિસિટી પર ઑપરેટ થઈ રહ્યા હોવાની સ્થાનિકોની ફરિયાદનું હવે નિવારણ આવશે
સાઉથ-એન્ડ તરફ તમામ ગર્ડર્સ મૂકવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને બ્રિજ પર ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે. તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર
સબર્બન રેલવે નેટવર્કમાં સૌથી બિઝી સ્ટેશનોમાંનું એક ઘાટકોપર રેલવે-સ્ટેશન અપગ્રેડ માટે તૈયાર થઈ રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા સ્ટેશન-પરિસરને અપગ્રેડ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું અને પૂરપાટ ગતિએ ચાલી રહી હોવાનું જોવા મળ્યું છે.
એલિવેટેડ ડેકથી ભીડ હળવી થશે
ADVERTISEMENT
અપગ્રેડેશનની કામગીરી પૂરી થયા પછી ઘાટકોપરને પ્લૅટફૉર્મની ઉપરથી ૧૮૦૦ સ્ક્વેર મીટરનો એલિવેટેડ ડેક મળશે, જેનાથી ભીડને પહોંચી વળવા માટે મોટી સ્પેસ સર્જાશે અને પૅસેન્જરોની મૂવમેન્ટ સરળ બનશે. ખાસ કરીને મેટ્રો તરફ જતા-આવતા લોકોને કારણે સર્જાતી ખતરનાક ભીડમાં રાહત મળશે. મેટ્રો સ્ટેશન તરફના નવા બ્રિજનું કામ પણ પૂરું થવામાં છે.
કેમ મહત્ત્વનું છે આ અપગ્રેડેશન?
ઘાટકોપર માત્ર સામાન્ય સબર્બન રેલવે-સ્ટેશન નથી, પણ મેટ્રો વન સાથેના ઇન્ટરચેન્જને કારણે એકસાથે મોટી સંખ્યામાં પૅસેન્જરોની આવ-જા ધરાવતું જંક્શન છે. પીક અવર્સમાં તો સબર્બન લાઇન અને મેટ્રો લાઇનની દરેક ટ્રેન આવીને જાય એ પછી સ્ટેશનમાં ભયંકર ભીડ જમા થાય છે. સ્થાનિકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે ઘાટકોપર સ્ટેશન જેટલી ભીડને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે એના કરતાં ડબલ ભીડ સાથે ઑપરેટ થઈ રહ્યું છે અને આ સ્થિતિ જોખમી છે. જોકે નવા બ્રિજ અને એલિવેટેડ ડેકને કારણે લાંબી પ્રતીક્ષા પછી આ ફરિયાદોનું નિવારણ આવવાનું છે. ઇન્ટરચેન્જને કારણે વધેલી ભીડને પહોંચી વળવા અત્યારે પ્લૅટફૉર્મ્સ અને બે લાઇનનાં સ્ટેશનોની વચ્ચે પૂરતી જગ્યા નથી, પણ નવા અપગ્રેડ સાથે એને આવનારા સમયની જરૂર પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે.


